42 એમ્બ્યુલન્સ થકી પ્રતિ માસ પાંચ હજારથી વધુ દર્દીઓને સારવારમાં મદદરૂપ બને છે 108 સેવા
એક સમય હતો જયારે ગંભીર મેડિકલ ઇમર્જન્સીમાં માત્ર સિવિલની એમ્બ્યુલન્સ મદદરૂપ બનતી. જેમાં માત્ર દર્દીનું વહન કરવામાં આવતું, તેમને સારવાર પણ હોસ્પિટલ પહોંચે ત્યારે જ મળતી. દર્દીને જીવનું જોખમ રહેતું, પરિવારજનોના જીવ ઉંચક રહેતા. લાઈફ સેવિંગ પોસિબિલિટી પણ સમય, સ્થળ પર નિર્ભર રહેતી હતી. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના સહયોગથી દેવદૂત સમાન 108 નું આગમન થયું, અને દર્દીને સમયબધ્ધ સચોટ સારવારની આશાનો પણ જન્મ થયો.રાજ્ય સરકાર દ્વારા 108ની સેવા શરુ કરાઈ. એક કોલથી ઘટના સ્થળે પ્રાથમિક સારવાર સુવિધા સભર એમ્બ્યુલન્સ આવી પહોંચે. દર્દીને નજીકની હોસ્પિટલે તુરંત પહોંચાડી દે. પરિણામે અનેક માનવ જિંદગીને જીવતદાન મળ્યું.રાજકોટ જિલ્લાની વાત કરીએ તો 42 જેટલી 108 એમ્બ્યુલન્સ તત્પર હોઈ છે દર્દીની સેવામાં. ઘટના સ્થળે શહેરમાં પહોંચવાનો એવરેજ સમય છે 13 મિનિટ, જયારે ગ્રામ્ય વિસ્તારમાં છે માત્ર 20 મિનિટ. સરેરશ ટાઈમ માત્ર 16 મિનિટ. રાજકોટ જિલ્લામાં સરેરાશ માસિક 5 હજાર કોલ રિસ્પોનશ મુજબ હાલ સુધીમાં 6 લાખ 60 હજારથી વધુ કોલનો રિસ્પોન્સ આપી દર્દીને તાત્કાલિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી નિભાવી છે. જેના પરિણામે 63,297 માનવ જિંદગી બચાવી અનેક પરિવારોમાં ખુશીઓની ગંગોત્રી વહાવી છે. 108 સેવાનો ખાસ કરીને હાઇવે પરના અકસ્માતો અને ગ્રામીણ વિસ્તારમાં ઇમર્જન્સીના કિસ્સામાં ઉપયોગ લેવામાં આવતો હોય છે. 108 દ્વારા 6 હજારથી વધુ પ્રસૂતાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અને ઇમર્જન્સી કિસ્સામાં રસ્તા પર જ 108 વાનમાં પ્રસુતિ કરાવી છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો આજી ડેમ, કોઠારીયા સોલ્વન્ટ, ગ્રીનલેન્ડ ચોકડી, કોઠારીયા, રૈયાધાર સહિતના વિસ્તારોમાં કેસનું પ્રમાણ વધારે જોવા મળે છે. જયારે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ભાડલા, ધોરાજી, ગોંડલ,, જસદણ, જેતપુર, કુવાડવા, પડધરી, શાપર, સરધાર, ઉપલેટા સહિતના પંથકમાંથી વિશેષ પ્રમાણમાં કેસ હેન્ડલ કરવામાં આવતા હોવાનું પ્રોજેક્ટ કોઓર્ડીનેટર વિરલ ભટ્ટે જણાવ્યું છે .દિવસ હોય કે રાત, વરસાદ, વાવાઝોડું, કોઈપણ પરિસ્થિતિમાં 108ના કર્મીઓ હોંશે હોંશે દર્દીનારાયણની સેવામાં સદાય તત્પર રહેતા જોવા મળે છે. ખાસ કરીને કોરોનાની લ્હેર દરમ્યાન 108 ટીમે માનવીય અભિગમ દર્શાવી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર ન મળે ત્યાં સુધી ઓક્સિજન સાથેની સુવિધા પુરી પાડી હતી. જે ખુબ જ કાબિલેદાદ છે.108 સેવા માત્ર દર્દીની સારવાર-સુશ્રુષા પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ દર્દીઓ પાસે ઘટના સ્થળેથી મળેલ રોકડ અને કિંમતી દાગીના એકત્રિત કરી તેમના પરિવારજનોને પરત કરી કર્મીઓની ઈમાનદારીની પ્રતીતિ તેમના પરિવારજનોને થઈ હોવાના અનેક દાખલાઓ બન્યા છે.108ની સાથોસાથ ખભે ખભા મિલાવી પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પીકઅપ-ડ્રોપ સેવા પુરી પાડતી ખીલખીલાટ પણ હરહંમેશ મહિલાઓની મદદે રહી છે.108 સેવાનો સતત વિસ્તાર અને વ્યાપ વધતો જાય છે અને સુવિધામાં પણ ઉમેરો કરવામાં આવે છે. 108 એક એવી બ્રાન્ડ છે જે ઇમર્જન્સીમાં માનવ જિંદગી બચાવનો પર્યાય બની ચુકી છે.