રાજ્ય સરકાર દ્વારા કેરોસીન મુક્ત ગુજરાત બનાવવા પુરવઠા વિભાગને આદેશ કરાયો છે અને તેની જોરશોરથી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે તેના ભાગરૂપે ‘ધુમાડા મુક્ત રાજકોટ’ બનાવવા જિલ્લા પુરવઠા તંત્ર ઊંધામાથે થયું છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ઉજ્જવલા યોજનાનો મેગા કેમ્પ આગામી 28મી ઓગસ્ટને શુક્રવારના રોજ કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં 10 હજાર લાભાર્થી બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત મુખ્યમંત્રીના હસ્તે ગેસ કિટનું વિતરણ કરાશે.
ઉજ્જવલા યોજનાના મેગા કેમ્પના અનુસંધાને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પુરવઠા વિભાગ દ્વારા મંગળવારે તમામ તાલુકાના નાયબ મામલતદાર(પુરવઠા) અને 52 ગેસ એજન્સીના સંચાલકોની મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેટલા લાભાર્થીઓ છે, કેટલી બસો છે, કેટલા રૂટ થશે સહિતના મુદ્દે માહિતી એકત્રિત કરાશે.