બપોરે 2:30 કલાકે તાપમાનનો પારો 43.2 ડિગ્રીએ પહોંચી જતા રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ: આજે મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાય તેવી શક્યતા
છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી રિતસર અગનવર્ષા કરી રહેલા સૂર્ય નારાયણ આજે વધુ લાલચોળ બન્યા હતા. રાજકોટમાં આજે ચાલુ વર્ષે ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ રહેવા પામ્યો હતો. બપોરે 2:30 કલાકે શહેરનું તાપમાન 43.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. જ્યારે 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે લૂ ફૂંકાતી હતી. રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળતો હતો. આજે મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી પણ વધુ નોંધાઇ તેવી સંભાવના જણાઇ રહી છે. હજુ શનિવાર સુધી હિટવેવની આગાહી આપવામાં આવી છે. અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હોય લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકિદ કરવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસથી સતત ગરમીનું જોર વધી રહ્યું છે. જેના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. ગઇકાલે રાજ્યના સાત શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ નોંધાયું હતું. દરમિયાન ગઇકાલે રાજકોટનું મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આજે અચાનક પારો વધુ ઉંચકાયો હતો. બપોરે 2:30 કલાકે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું હતું. જેમાં હજુ એક થી દોઢ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આજે મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી પણ વધુ પહોંચી જવાની શક્યતા જણાઇ રહી છે. જે રિતે આકાશમાંથી સૂર્ય નારાયણ અગ્નિવર્ષા કરી રહ્યા છે તેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
સતત ગરમીનું જોર વધી રહ્યું છે. શનિવાર સુધી રાજ્યભરમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ ઓળંગી જાય તેવી સંભાવના દેખાઇ રહી છે. જે રિતે ગરમી પડી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે આ વર્ષે સૂર્ય નારાયણ મે માસમાં ગરમીના પાછલા તમામ રેકોર્ડબ્રેક કરશે. જૂનમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવી આગાહી અગાઉ જ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.