- કોર્પોરેશનની નિંભરતાના પાપે રાજકોટ બન્યું મચ્છરોનું નગર: સમી સાંજે શહેરમાં નીકળવું મુશ્કેલ
- 15 દિવસમાં મચ્છરોના ત્રાસને અટકાવવા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની કોંગ્રેસની ચીમકી
શહેરમાં મચ્છરોનું આક્રમણ ખાળવામાં મહાનગરપાલિકાનું અંધેર તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.આજી રિવરફ્રન્ટના સપનાઓ બતાવતા શાસકો આજી નદીમાંથી મચ્છરોના ઉત્પાદન કેન્દ્ર હટાવવામાં કુંભકર્ણની નિંદ્રામાં છે. આરોગ્ય શાખામાં 45 વર્ષ પહેલાંનું સેટઅપ છે.નવી ભરતી કરવામા આવતી નથી.તેમ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની અને સ્માર્ટ સિટીની વાતો કરનારા શાસકો રાજકોટમાં કહેવાતા સ્માર્ટ સિટી માં મચ્છરોનુ આક્રમણ ખાળવામાં નાકામિયાબ પુરવાર થયા છે. રાજકોટ મચ્છર નગરી બની ગયું છે. અગાઉ રાજકોટ શહેરને આજી નદીમાં રીવર ફ્રન્ટના સપનાઓ બતાવી હથેળીમાં ચાંદ બતાવ્યો હતો. પરંતુ ત્યાર પછી આજી રિવરફ્રન્ટ ના નામે અનેક બેઠકો થઈ અને લાખોના ક્ધસલ્ટન્સી ના નામે પ્રજાના નાણા નો ધુમાડો થયો. અને હાલ નવા નાણાકીય વર્ષમાં આજી રિવરફ્રન્ટ ની યોજનાનો છેદ ઉડાડી દેવાયો છે. આજી નદી રિવરફ્રન્ટ ને બદલે અનેક વોર્ડમાંથી પસાર થતી આ નદી મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની છે.
આજી નદીમાં બેસુમાર ગંદકી અને ગાંડી વેલે જ્યારે ભરડો લીધો છે ત્યારે આ વેલમાં અનેક ઝેરી જીવજંતુઓ અને મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે. જિલ્લા કલેકટર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની કચેરીઓ વચ્ચે સંકલનના અભાવે બેડી ગામ અને રાજકોટ ના વોર્ડમાંથી પસાર થતી આ નદીમાં જે વેલ છે. તેની આજુબાજુમાં સાંજે મચ્છરોના ઝુંડ ઉડી રહ્યા હોય છે અને નદીની આસપાસ તેમજ શહેરમાં રહેતા પ્રજાજનો નું આરોગ્ય જોખમાય તે પ્રકારે મચ્છરોનો આક્રમણ વધી ગયું છે. આરોગ્ય તંત્ર 45 વર્ષ પહેલાંનું સેટઅપ છે પૂરતો સ્ટાફ ન હોય તો તાત્કાલિક ભરતી કરી અથવા જિલ્લા કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કમિશનર કચેરી વચ્ચે સંકલન કરી આજી નદીની ગાંડી વેલ અને મચ્છરોના ઉત્પાદન કેન્દ્ર ને તાત્કાલિક હટાવવા બાબતે જો દાનત હોય તો તાત્કાલિક ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી પણ કામ કરી શકાય છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે શહેરભરમાં ફોગીંગ ની જે હાલ કાર્યવાહી થઈ રહી છે તેમાં શેરીઓમાં ફોગીંગ કરવાથી મચ્છરો ઘરમાં ઘૂસી જાય છે. મચ્છરો મરી જાય અને નેસ્ત નાબૂદ થાય એ પ્રકારની દવા નો ઉપયોગ કરવાની જરૂર છે અને એ માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે તે વેગવાન બનાવવાની જરૂર છે. આજે બે થી ત્રણ મશીનો છે વેલ કાઢવા માટેના તે અપૂરતા છે. નદીમાં સમયાંતરે નક્કર કામગીરી ન કરવામાં આવતા વેલનું અને મચ્છરોનું આક્રમણ સતત વધી ગયું છે.
જ્યારે વેલની શરૂઆત થઈ ત્યારે ડામવામાં રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા કલેકટર કચેરીના જવાબદાર અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીને કારણે આજે રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને મચ્છરોના ડંખ સહન કરવાનો વારો આવ્યો છે. મેલેરિયા અને અન્ય જીવજંતુઓના કારણે થતા રોગો વધે અને રોગચાળો ફાટી નીકળે એ પહેલા જો તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે નહીં તો આગામી 15 દિવસમાં આ અંગે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો નદીના આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારોને લઈ મહાનગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.