સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે રાજકોટ-વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા વધારતા 23.76 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

અબતક-રાજકોટ

રાજકોટ રેલવે જંકશન ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે રૂ. 23.36 કરોડના ખર્ચે પ્રજાલક્ષી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઇલેક્ટ્રોનિક એક્સલરેટર, લિફ્ટની સુવિધા, રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, કોચ ઇન્ડિકેટર સિસ્ટમ જેવી અધ્યતન સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલવે મંત્રાલય તરફથી રાજકોટના પેસેન્જર્સને મહત્તમ સુવિધા મળે તે હેતુથી અનેક નવી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે તેમજ પ્રવર્તમાન સુવિધાઓનું નવીની કરણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનું કામ પુરજોશમાં કરાઈ રહ્યું છે. જેથી રાજકોટને તેનો મહત્તમ લાભ મળે. અધ્યતન સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતાનું ત્રિવેણી સંગમ એટલે રાજકોટનું રેલ્વે જંકશન છે. જેમાં રાજકોટ રેલવે જંકશન ખાતે પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ. 4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એક્સલરેટરની સુવિધા, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ. 42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા, રૂ. 12.45 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનના નવિનીકરણનું કાર્ય, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ. 59.75 લાખના ખર્ચે મુસાફરો માટે કોચ ઇન્ડિકેટર સિસ્ટમ તથા પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર મુસાફરો માટે રૂ. 3.28 કરોડના ખર્ચે ક્વિક વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 2 ઉપર સરક્યુલેટીંગ એરિયામાં રૂ. 1.20 કરોડના ખર્ચે મુસાફરો માટે બે લિફ્ટ તથા પ્લેટફોર્મ નં. 2 ઉપર રૂ. 1.01 કરોડના ખર્ચે કવર શેડ લગાવવામાં આવ્યો છે

અનિલ જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ સ્ટેશન એસ્કેલેટરની સુવિધા ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ટેશન બન્યું છે. રાજકોટ સ્ટેશન પર ત્રણ એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્લેટફોર્મ નંબર 1 પર બે એસ્કેલેટર અને પ્લેટફોર્મ નંબર 2/3 પર એક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ નં. 2/3 પર વધુ એક લિફ્ટની સુવિધા આપવામાં આવી છે, જેની ક્ષમતા એક સમયે 20 વ્યક્તિઓની છે. સ્ટેશન બિલ્ડિંગનો પુન:વિકાસ કરવામાં આવ્યો છે અને અગ્રભાગમાં સુંદર લાઇટિંગ આપવામાં આવી છે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર નવી કોચ ઈન્ડિકેટર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેથી મુસાફરો તેમના કોચ વિશે સરળતાથી માહિતી મેળવી શકે. પ્લેટફોર્મ નંબર 1/2 અને 3 પર નવી ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી ઓછા સમયમાં ટ્રેનના કોચમાં પાણી ભરી શકાય. વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને સરકુલેટિંગ એરિયામાં બે નવનિર્મિત પેસેન્જર લિફ્ટ આપવામાં આવી છે અને પ્લેટફોર્મ નંબર 2 પર કવર શેડનો વિસ્તાર કરવામાં આવ્યો છે. સાંસદ દ્વારા વાંકાનેર સ્ટેશનના મુસાફરોની સુવિધાના કામોનું ઈ-લોકાર્પણ રાજકોટ થી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે, સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1200 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. તેમણે રાજકોટ સ્ટેશન પર ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતાની ખૂબ પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) રાજકુમાર એસ, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અર્જુન શ્રોફ, સિનિયર ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર એચ.એસ. આર્ય, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (કોચિંગ)  અસલમ શેખ, રેલવેના અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ, શહેરના નાગરિકો અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.