વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૈન સમાજને મહાવીર જન્મ જયંતિની શુભેચ્છા પાઠવી
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનાં પાવન દિને આજે સમગ્ર રાજકોટ મહાવીરમય બન્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરમાં પ્રભાતફેરી, ધર્મયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વીર પ્રભુનાં જન્મ કલ્યાણક દિનની ઉજવણીમાં જૈન સમુદાય બહોળી સંખ્યામાં હરખભેર જોડાયો હતો. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન સમાજને મહાવીર જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજે સવારે શ્રમણ ભગવાન મહાવીર પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગેથી પ્રસ્થાન થયેલી આ પ્રભાતફેરી સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં ધર્મસભામાં પરીવર્તીત થઈ હતી જયાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌને ભગવાન મહાવીર જન્મજયંતિની શુભેચ્છા પાઠવી હતી. પ્રભાતફેરી ત્રિકોણબાગેથી શરૂ થઈને બાપુના બાવલા, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા,
મુળવંતભાઈ દોમડીયા ચોક, ભુપેન્દ્ર રોડ થઈને જૈનાચાર્ય ડુંગરસિંગજી મહારાજ ચોક થઈ સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળાનાં જાજરમાન વ્યાખ્યાન હોલમાં ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. પ્રભાતફેરીમાં સુવર્ણ રજતના માતબર લકકી ડ્રો તથા પ્રભાવના કરવામાં આવી હતી.
જૈનમ દ્વારા કિશાનપરા ચોક ખાતેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે નિકળી હતી. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યું હતું. કિશાનપરા ચોકથી પ્રારંભ થયેલી આ પ્રભાતફેરી જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ, સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક થઈને ચૌધરી હાઈસ્કૂલે પહોંચી મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.
ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૫ આકર્ષક ફલોટ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. ધર્મયાત્રામાં સોના-ચાંદીથી મઢેલો ભગવાન મહાવીર સ્વામીનો રથ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિન નિમિતે જૈન સમુદાયને શુભેચ્છા પાઠવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,