નંદ ઘેર આનંદ ભર્યો…. જય કનૈયા લાલ કી…
અનેક વિસ્તારોમાં મટકી ફોડ, રાસ-ગરબાના કાર્યક્રમો; એરપોર્ટ રોડ, અંડરબ્રીજ, આમ્રપાલી ફાટક, એસ્ટ્રોન ચોકમાં શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો દર્શાવતી પ્રતિકૃતિઓ; રોડ-રસ્તાઓ રોશની-ધજા-પતાકાથી બન્યા સુશોભીત
રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફલોટનું સુશોભન કરવામાં આવ્યું છે. નંદલાલાને વધાવવા માટે રાજકોટીયન્સ તૈયાર થઈ ગયા છે. રાજકોટના હાર્યસમા વિસ્તારોમાં ચારે તરફ રોશનીના ઝગમગાટ સાથે કૃષ્ણ જન્મોત્સવની પ્રતિકૃતિઓ તૈયાર કરાઈ છે. જેમાં ખાસ કરીને આમ્રપાલી ફાટક, અંડરબ્રીજ, એસ્ટોન ચોક અને એરપોર્ટ રોડ ઉપર મન મોહી લે તેવી પ્રતિકૃતિઓ તૈયાર કરાઈ છે. આ સાથે છેલ્લા ૩૩ વર્ષથી વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા મવડી ચોકડીથી રૈયા સર્કલ, હનુમાન મઢી, આમ્રપાલી રોડ, કિશાનપરા ચોક, સંતકબીર રોડ, કે.ડી. કોમ્પલેક્ષ, ગોવિંદબાગ શાક માર્કેટ, બજરંગ ચોક જેવા વિસ્તારોમાં શોભાયાત્રા નીકળશે. ઠેરઠેર જ્ઞાતી, સમાજ, સંસ્થા, મંડળ વેપારીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રાજકોટની ધાર્મિક પ્રજા લોકમેળાની સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવનો પણ લાભ લેશે.