રંગીલું રાજકોટ આજથી સતત ચાર દિવસ મેળા-પિકનીક જેવો આનંદોત્સવ માણશે: આજે રાંધણ છઠ્ઠમાં મહિલાઓ ફરસાણ-મીઠાઇ જેવા ખોરાક બનાવીને કાલે બધા ‘ટાઢું’ ભોજન લેશે
આજથી રંગીલા રાજકોટમાં શ્રાવણી પર્વ સાતમ-આઠમનો તહેવાર આનંદ-ઉત્સાહ અને ઉમંગથી શરૂ થઇ ગયો છે. આદિકાળથી ચાલી આવતી આપણી પરંપરા અને કાઠિયાવાડી સંસ્કૃતિમાં સાતમ-આઠમનાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે. આજ બુધવારથી રવિવાર સુધી રાજકોટિયન્સ પુરા ઉત્સાહ સાથે આ શ્રાવણી પર્વનો આનંદ માણશે.
રાજકોટમાં આ તહેવારોમાં લોકમેળાનું બહુ જ મહત્વ હોવાથી કોરોના કાળ બાદ છેલ્લા ત્રણ વર્ષથી ઉત્સાહ-ઉમંગ સાથે ન ઉજવી શકનાર રાજકોટવાસીઓ આ વર્ષે પુરા જોમ-ઉત્સાહથી તહેવાર ઉજવશે. રાજકોટમાં તંત્ર દ્વારા અને ખાનગી સહિત કુલ 15થી વધુ મેળાઓનું આયોજન કરાયું છે.
રાજકોટમાં રાંધણ છઠ્ઠથી પારણા નોમ સુધીનો તહેવાર માહોલમાં બાળથી મોટેરા જોડાય છે. સાતમનું પ્રાચિન મહત્વ હોવાથી શ્રાવણ પર્વમાં નાની અને મોટી એમ બે સાતમ ઉજવાય છે. શહેરમાં ધંધા-ઉદ્યોગો, શાળા-કોલેજો બધુ જ બંધ હોવાથી સમગ્ર 20 લાખથી વધુ પુજા શ્રાવણી પર્વના આ તહેવારમાં જોડાય છે.
આજનો દિવસ વિવિધ વાનગી બનાવવાનો હોવાથી આજે પરિવારની મહિલાઓ સમુહમાં ચણાના લોટની વિવિધ વાનગીઓ બનાવીને શુભ મુહુર્તમાં ચૂલા ઠારવાની વિધી પણ કરે છે. સાતમ-આઠમમાં ચૂલા ઉપર કોઇ વસ્તું બનાવતા નથીને માત્ર ‘ટાઢું’ જ ખાય છે.
આઠમનો તહેવાર એટલે કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ. શહેરમાં વિવિધ ચોકમાં કૃષ્ણ જન્મોત્સવ સાથેનો અનેરો તહેવાર ઉજવાય છે, રાત્રે 12 વાગે પંજરીનો પ્રસાદ પણ લે છે. પરિવાર સાથે બહારગામ કે મેળાની મઝા સાથે પરિવારનાં સૌ સાથે મળીને પાના પણ રમે છે. શ્રાવણી પર્વ અને પત્તા પ્રેમીનો અનેરો સમન્વય જોવા મળે છે.
પરિવારમાં દરેક નવા વસ્ત્રો સાથે નાના બાળકો માટે વિવિધ રમકડા ખરીદી આ દિવસનું મહત્વ છે. બહાર પિકનીક વખતે ઘરેથી નાસ્તો-ભોજન લઇ જવાની પ્રથા આજે 21મી સદીમાં પણ અંકબંધ છે. આ દિવસોમાં અમુક ધાર્મિક પ્રથાનું મહત્વ હોવાથી શિવાલયોમાં પૂજન-અર્ચનનું મહત્વ વિશેષ છે.
કાલે શિતળા સાતમ
ગુરૂવારે શીતળા સાતમનું મહત્વ શ્રાવણ વદ સાતમને ગુરૂવાર તા.18/8/2022ના દિવસે શિતળા સાતમ છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી માતાજીની કુલેર બનાવી અને શ્રીફળ સાથે લઇ શિતળા માતાજીના મંદિરે સપરિવાર જવું ત્યારબાદ માતાજીને દિવો અથવા અગરબતી કરવા શ્રીફળ વધેરવુ, કુલેર ધરવી અને પ્રાર્થના કરવી, મારી અને મારા બાળકો અને કુટુંબીજનોની રક્ષા કરજો અને બીમારીથી રક્ષણ કરજો.
શિતળા માતાજી શિતળતા એટલે કે ઠંડકના દેવી છે. માતાજીની કૃપાથી જો ઘરમાં લોકો વારંવાર બીમાર પડતા હોય તો બીમારી દુર થાય છે અને ઘરમાં ખોટા ઝગડા રહેતા હોય તો પણ માતાજીને પ્રાર્થના કરવાથી ઘરમાં શાંતિ થાય છે. આથી શિતળા સાતમના દિવસે આખા પરિવારે ભેગા મળી અને માતાજીનું પુજન કરવું. આ દિવસે ટાઢુ ભોજન કરવું ખાસ જરૂરી છે.
– શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંત રત્ન)