શાળા-કોલેજો, સંસ્થાઓ અને ધર્મસ્થાનોમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
આજરોજ વિશ્વ યોગ દિન નિમિતે શહેરમાં ઠેર-ઠેર યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની અનેક શાળા-કોલેજો, સંસ્થાઓ અને ધર્મસ્થાનોમાં વિશ્ર્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાખો લોકોએ ઓ હરખભેર યોગાસનો કરીને વિશ્ર્વ યોગ દિવસને મનાવ્યો હતો.
મોદી સ્કૂલ
મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પર્ણકુટી ૧૫૦ ફુટ રીંગ રોડ, અંબિકા ટાઉનશીપ અને ઈશ્ર્વરીયા ખાતે વિશ્ર્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના ટ્રસ્ટી ડો.રશ્મિકાંત મોદી તેમજ પ્રિન્સીપાલ દ્વારા દિપ પ્રાગટય કરી સરસ્વતી વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક દ્વારા સ્ટેજ ઉપર અવનવા યોગાસનો કરાવવામાં આવ્યા હતા. શાળાના કુલ ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ અલગ-અલગ આસનો કરીને વિશ્ર્વ યોગ દિનને મનાવયો હતો. જેવા કે સુર્ય નમસ્કાર, ભુજંગાસન, તાડાસન, વ્રજાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન વગેરે આસનો તેમજ ઓમકાર, અનુલોમવિલોમ, ભ્રામરી વગેરે જેવા પ્રાણાયમો કરીને ધ્યાન અને યોગ કર્યા હતા. અંતમાં સ્કાઉટ/ ગાઈડના વિદ્યાર્થીઓએ ખુબ સરસ રીતે અલગ અલગ રીતે પીરામીડ રજુ કર્યા હતા. આજના વિશ્ર્વ યોગ દિન ભરપુર રીતે દરેક વિદ્યાર્થીઓએ તથા શાળાના શિક્ષકોએ માણ્યો હતો અને ઉજવ્યો હતો.
જય ઈન્ટરનેશનલ અને જીનિયસ ઈંગ્લીશ સ્કૂલ
રાજકોટની જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં શાળાના યોગ પ્રશિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને યોગાભ્યાસમાં જોડવામાં આવ્યા હતા. આ અંગે વધુ જણાવતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સંસ્થાની બંને શાળા, જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોગાભયાસ માટે વિશેષ રૂમ રાખવામાં આવેલ છે જેની ડિઝાઈન એ પ્રકારે છે કે બાળકોમાં પોઝીટીવ એનર્જીનો સંચાર થાય. આ ઉજવણી માટે જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના સ્પોર્ટસ હેડ મનિન્નદર કેશપ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના સ્પોર્ટસ હેડ બંસીબેન ભુત દ્વારા જહેમત ઉઠાવી હતી. આ ઉજવણીના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા અને સીઈઓ ડીમ્પલબેન મહેતા દ્વારા તમામ લોકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.
સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ
સરસ્વતી વિદ્યામંદિર સંકુલ, મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળાના આશરે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થી, વાલીઓ, ટ્રસ્ટીમંડળ, શૈક્ષણિક સ્ટાફ પરીવારે મળીને દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ હેડકવાર્ટસ મેદાન ખાતે સમુહ યોગાભ્યાસ કર્યો હતો. આ તકે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.બળવંતભાઈ જાનીએ પણ સૌને યોગમાં રહેલા અનેક ફાયદાઓના પ્રચાર-પ્રસાર સહ શુભેચ્છા પાઠવી હતી.
વિશ્ર્વ યોગ દિવસ નિમિતે લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ‘યોગ શાંતિ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ પ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૨૧મી જુનના રોજ લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઈફ દ્વારા સ્વામી નારાયણ મંદિર, કાલાવડ રોડ, એસઆરપીએફ ઘંટેશ્ર્વર, એલઆઈસી, ઈન્કમ ટેક્ષ, સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ, સન ફલાવર સ્કૂલ, ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ અને ડોકટર એસોસીએશનના સભ્યો માટે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે લાઈફ બિલ્ડીંગમાં પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેકટ લાઈફ દ્વારા શહેરમા વિવિધ ૬ સ્થળોએ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેમાં સમાજના વિવિધ વર્ગનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં લાઈફના નિષ્ણાંત યોગ શિક્ષકોએ જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતુ અને લોકોને દિવસમાં એક વખત ૧૫ મીનીટ માટે યોગાભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો.
પ્રોજેક્ટ લાઈફ દ્વારા લાઈફ બિલ્ડીંગ ઉપરાંત કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર, એલ.આઈ.સી. સેન્ટ્રલ એકસાઈઝ, એસ.આર.પી. ઘંટેશ્ર્વર, અને સન ફલાવર સ્કુલ જેવા અલગ અલગ સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. અને તેમાં મોટી સંખ્યામાં સંબંધીત અધિકારીઓ, સાધકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમોમાં કંપની સેક્રેટરીઓ યુનિયન બેંકના અધિકારીઓ અને જોયાલુકાસ જવેલર્સનો સ્ટાફ પણ જોડાયો હતો.
યોગ દિવસના આગલા દિવસે પ્રોજેકટ લાઈફ દ્વારા એક શાંતિ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ અને તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શાંતિ માર્ચનો હેતુ વિશ્ર્વમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
શિવશકિત શાળા નં.૯૨
શિવશકિત પ્રા.શાળા નં.૯૨ યુનિ.રોડ ખાતે આજરોજ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય હંસાબેન પંડયાએ સામુહિક યોગ કરાવ્યા હતા અને જણાવ્યું હતું કે યોગ એ ભારતીય પ્રાચીન સંસ્કૃતિની અમુલ્ય ભેટ છે. આ તકે શાળાના વિદ્યાર્થીઓ તથા શાળા પરીવારના શિક્ષકગણએ સામુહિક નિદર્શન કર્યું હતું તેમ આચાર્ય હંસાબેન પંડયાએ જણાવ્યું હતું.
વિશ્ર્વ યોગ દિવસે સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ, સંતો અને શિક્ષકોએ સવારમાં યોગ કર્યા હતા. સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતેની યોગ દિવસની ઉજવણીમાં સંતો સાથે વિદ્યાર્થીઓ હરખભેર જોડાયા હતા.
પીડીયુ મેડિકલ કોલેજ
વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પીડીયુ સરકારી મેડિકલ કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીન ડો.યોગેશ ગોસ્વામી, લાઈબ્રેરીયન રાજુભાઈ ત્રિવેદી સહિતના તબીબો, ટેકનીસીયન વહિવટી અને પેરામેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહી યોગા કર્યા હતા.