દાળ-ભાત ખાનાર રાજ્ય ગણાતું ગુજરાત હવે રમતક્ષેત્રે કાઠુ કાઢી રહ્યું છે: ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની જુનિયર હોકી સ્પર્ધાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા અને હોકી રાજકોટ સંસ્થા દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની જુનિયર હોકી ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમે બનાસકાંઠાને 3-0 થી મ્હાત આપી વટભેર સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. અન્ય એક મેચમાં અમદાવાદની ટીમે સુરતની ટીમ પર શાનદાર વિજય મેળવ્યો હતો. આજે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન ખાતે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા રાજ્ય કક્ષાની જુનિયર હોકી સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ દાળ-ભાત ખાનારૂં રાજ્ય ગણાતું અને રમતગમત ક્ષેત્રે કોઈ પ્રગતિ ન હોતી, પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના રમતવીરો માટે ખેલ મહાકુંભની શરૂઆત કરેલ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં જુદી જુદી રમતોમાં અનેક રમતવીરો ઉભરી આવેલ છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના રમતવીરોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે તે આ ખેલ મહાકુંભને આભારી છે.
આ પ્રસંગે મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન બનાવવામાં આવેલ જે ગુજરાતભરમાં સૌપ્રથમ છે. ખેલાડીઓ આ ગ્રાઉન્ડનો વધુને વધુ લાભ લઇ અને મેજર ધ્યાનચંદ, ધનરાજ પિલ્લાઇની માફક શહેર, રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જીનીયસ સ્કૂલ ગ્રુપના ડી. વી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું રાજકોટ હોકીની ટીમ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ રમતવીરોએ ખેલદિલીની ભાવનાથી, નિયમોના પાલન કરવાના અને સ્પોર્ટ્સમેન સ્પીરીટ સાથે રમત રમવાના શપથ લીધા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ભાગ લેનાર તમામ ટીમોના કેપ્ટન દ્વારા મશાલની જ્યોતનું રિલે કરેલ ત્યારબાદ ઉદ્ઘાટક ગોવિંદભાઇ પટેલ અને મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા જ્યોત પ્રગટાવી ટુર્નામેન્ટ ખુલી મુકાઇ હતી.
ઓળખવીધી બાદ અમદાવાદ અને સુરતની ટીમનો મેચ પ્રારંભ કરતા પહેલા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ મેયર ડો.પ્રદીપ ડવએ હોકી બોલને હોકી સ્ટીક વડે ફટકારી, આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અરવલ્લી, બનાસકાંઠા અને રાજકોટની ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટ બાદ રાષ્ટ્રકક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પણ કરવામાં આવનાર છે. તેમજ આગામી ડિસેમ્બર માસમાં તમિલનાડુ ખાતે ઓલ ઇન્ડિયા હોકી ટુર્નામેન્ટનું આયોજન થનાર છે.આ ટુર્નામેન્ટમાં રાજકોટ અને બનાસકાંઠા વચ્ચે યોજાયેલ મેચમાં રાજકોટએ 3-0 ગોલથી વિજય મેળવેલ અને રાજકોટની હોકી ટીમએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવેલ છે. જ્યારે અમદાવાદ અને સુરતની ટીમ પૈકી અમદાવાદની હોકી ટીમએ 5-0 ગોલથી વિજય મેળવેલ છે.
કાર્યક્રમના અંતે હોકી ગુજરાતના વાયસ પ્રેસિડેન્ટ જ્વલંતભાઈ ભટ્ટે ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ હોકીનું એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ બનાવી હોકીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ છે તે બદલ આભાર વ્યક્ત કાર્યો હતો.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ હોકીના મહેશ દિવેચા, જયદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ખેર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુસ્કાન કુરેશી, રીતુ ધીંગાણિ, દિવ્યેશ મિયાત્રા અને ઈમ્તિયાઝ હોથીએ જહેમત ઉઠાવી હતી.
અમારા ‘ગોલ’ પૂરા થશે?
ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલનું રાજકીય કદ થોડું વધ્યુ છે. અગાઉ સામાન્ય રીતે મહાપાલિકા ખૂબ જ જુજ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ગોવિંદભાઇને નિમંત્રિત કરતી હતી પરંતુ હવે સમય સાથે પરિવર્તન આવ્યું છે. આજે રાજકોટ મહાપાલિકા અને હોકી રાજકોટ સંસ્થા આયોજીત રાજ્ય કક્ષાના જુનિયર હોકી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતી વેળાંએ ગોવિંદભાઇએ હોકીની સ્ટીક હાથ પકડી બોલને ગોલ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
બીજી તરફ તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજકોટની મુલાકાત દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે કમલેશ મિરાણીની આગેવાનીમાં રાજકોટ શહેર ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત છે અને આગામી ચુંટણી પણ તેઓના નેતૃત્વમાં લડાશે. પક્ષના વડાના આ નિવેદન બાદ મિરાણીનું કદ પણ થોડું ઉંચકાયું છે. પ્રથમ વખત નગર સેવક તરીકે ચુંટાયાના એક પખવાડીયામાં શહેરના પ્રથમ નાગરિક બની રહેલાં ડો.પ્રદિપ ડવે પોતાની રાજકીય કારર્કિદીના આરંભે પોતાનો મહત્વકાંક્ષી ગોલ સિદ્વ કરી લીધો છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. આજે આ ત્રણેય મહાનુભાવોએ જે રીતે હાથમાં સ્ટીક પકડી બોલને ગોલનેટ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તે જોતાં એવું લાગી રહ્યું છે આ ત્રિપુટી પૈકી કોનો ગોલ આગામી દિવસોમાં પૂરો થશે અને કોના ઓરતા ગોલકિપર બની હાઇકમાન્ડ અટકાવી દેશે.