પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 788 અને બીજી તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર 833 ઉમેદવારો વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ જામશે: લીંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો
ગુજરાતના ધારાસભ્ય બનવા માટે રાજ્યની વિધાનસભાની 182 બેઠકો પર 1621 ઉમેદવારોએ દાવેદારી કરી છે. બીજી તબક્કામાં જે 93 બેઠકો માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. તેના માટે ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ ગયું છે. 182 બેઠકો પર 1621 ઉમેદવારો મેદાનમાં છે. એક બેઠકદીઠ સરેરાશ 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. લીંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવાર મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા હવે મતદાન મળેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત કુલ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 89 સીટ માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. બીજી તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ગઇકાલે બીજી તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ 182 બેઠકો માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. કુલ 1621 ઉમેદવારો ધારાસભ્ય બનવાના અભરખા સાથે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામનું રાજકોટ ભાવિ હવે ગુજરાતની જનતાના હાથમાં છે. સૌથી વધુ ઉમેદવાર લીંબાયત બેઠક પર છે. અહીં 44 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદની બાપુનગર સીટ પર 27 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
લીંબાયત બેઠક પર દરેક બૂથમાં ત્રણ-ત્રણ ઇવીએમ મૂકવા પડશે. જ્યારે જે બેઠકો પર 16થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. ત્યાં બબ્બે ઇવીએમ મૂકવા પડશે. હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાની સાથે જ માહોલ બરાબર પકડાશે. પ્રચાર-પ્રસાર માટે નેતાઓના ધાડેધાડા મેદાનમાં ઉતારી દેવાયા છે. મતદારોને આકર્ષવા માટે આગામી દિવસોમાં વચનોની લ્હાણી કરાશે.
નરેન્દ્ર મોદી જનતા સાથેની આત્મિયતા વધુ ગાઢ બનાવી રહ્યા છે
ગુજરાત સહિતના રાજયોમાં પ્રવાસ દરમિયાન ઓછામાં ઓછા 400 થી પ00 વ્યકિતઓને મળી કરે છે વાતચીત: લોકસભાની ચૂંટણીની સોલીડ તૈયારી પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉપર ચઢતો રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત અલગ અલગ કિમીયા અજમાવતા રહે છે. 2024માં લોકસભાની ચુંટણીમાં ફરી રેકોર્ડ બ્રેક બહુમતી સાથે કેન્દ્રમાં સત્તારૂઢ થવા માટે નરેન્દ્રભાઇએ અત્યારથી જ રોડ મેપ બનાવી લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સહિતના રાજયમાં હાલ તેઓ પ્રવાસ દરમિયાન ઓછામાં ઓછા 400 થી પ00 લોકોને મળી તેઓની સાથે વાતચીત કરી આત્મિયતા કેળવી રહ્યા છે હાલ ભલે આ ઘટના સામાન્ય લાગી રહી હોય પણ અસર અસામાન્ય રહેશે.
ગુજરાત વિધાનસભાની ચુંટણીના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છેલ્લા ત્રણેય મહિનાથી ગુજરાતના આંટાફેરા વઘ્યા છે. વિધાનસભાની ચુંટણી સાથે તેઓએ 17 મહિના બાદ યોજાનારી લોકસભાની ચુંટણીની પણ તૈયારીઓ શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે માત્ર ગુજરાત જ નહીં અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમા પણ તેઓએ પ્રવાસ દરમિયાન એક નવી પ્રણાલી શરુ કરી છે. જેમાં પીએમ જે શહેરની મુલાકાતે જાય ત્યાં પ00 થી વધુ વ્યકિતઓને વ્યકિતગત રીતે મળે છે. અને તેઓની સાથે વાતચીત પણ કરે છે. આત્મીયતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
જમીન સાથે જોડાયેલા લોકો સાથેના આત્મિયતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જમીન સાથે જોડાયેલા લોકો સાથેના આત્મિયતા વધુ ગાઢ બનાવવાથી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રવાસ પૂર્વ જ પીએમઓ દ્વારા જે તે શહેરના સ્થાનીક સંગઠન અને વહિવટી તંત્ર સાથે સંકલન કરી આપી રુપરેખા તૈયાર કરી નાંખવામાં આવે છે જેથી સંકલનના અભાવે કોઇ મુશ્કેલી ઉભી ન થાય. દરેક જિલ્લાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વ્યકિતગત રીતે પ00 થી વધુ લોકો સાથે વાતચીત કરે છે. તેઓના હાલચાલ પૂછે છે તેઓની સમસ્યા પણ જાણે છે અને તેના નિકાલ માટે પ્રયત્ન શીલ રહે છે. વિધાનસભાની ચુંટણી પ્રચાર સાથે વડાપ્રધાને લોકસભાની ચુંટણીની પણ આડકતરી તૈયારીઓ શરુ કરી દીધી છે.