સાર્ક દેશોમાંથી આવેલા 108 કલાકારોમાં શહેરનાં વલ્લભ પરમાર અને બાળ કલાકાર શ્રેય પરમારને એવોર્ડ અર્પણ
સાઉથ એશિયન રિજીયોનલ ક્ધટ્રીઝ એવોર્ડ અને કલ્ચર સમીટ-2022નું આયોજન વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ સ્ટાર અને વૈકિલ્પક ચિકિત્સા પધ્ધતિ વિકાસ સંસ્થા ભારત સરકાર દ્વારા નેપાળનાં કાઠમંડુ ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં રાજકોટના બે કલાકારોનું અભિવાદન કરાયું હતું. આ સમીટમાં શાર્ક દેશોમાંથી 108 કલાકારોને પસંદ કરાયા હતા.
રાજકોટના ચિત્રકાર વલ્લભ પરમારે 8 હજારથી વધુ અલંકારિક તદ્ન અલગ જ પ્રકારનાં મોરના ચિત્રો બનાવીને રાજકોટ સાથે રાજ્ય અને દેશનું નામ રોશન કરેલ હતું. આ ચિત્રકારને તેની વિશિષ્ઠ આર્ટ કલા માટે આઠ એવોર્ડ આ અગાઉ મળી ચુક્યા છે. તેમણે 10 વનમેન શો પણ કરેલ છે.
આ કાર્યક્રમમાં બાળ ચિત્રકાર શ્રેય સાગરભાઇ પરમારે પણ 3000થી વધુ કારના વિવિધ ચિત્રો બનાવીને રેકોર્ડ કર્યો હતો. તેઓ શહેરની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થી છે. આ સમીટમાં શ્રેયનું પણ મોમેન્ટો આપીને અભિવાદન કર્યું હતું.
આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુજાતા કોઇરાલા (પૂર્વ નાગરિક, ઉડ્ડીયન મંત્રી નેપાળ) ઇન્દ્રકુમાર થાપા, ભારતના પૂર્વ સંરક્ષક મંત્રી દિનેશ ઉપાધ્યાય, વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડના ડો.રાજીવ પાલ, બોલીવુડ સીંગર સનશ્રી ભટ્ટાચાર્ય સાથે નેપાળના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બાળ કલાકાર શ્રેય પરમારની ઉમર માત્ર 8 વર્ષની છે ને તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો.
8 હજારથી વધુ મોરનાં વિવિધ ચિત્રોની કલા
રાજકોટનાં ચિત્રકાર વલ્લભભાઇએ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરના વિવિધ નવરંગી અલંકારીક 8 હજાર ચિત્રો બનાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. મોરના દરેક ચિત્રો એકબીજાથી અલગ પડતાની સાથે તેની ‘કળા’ કરતા ચિત્રોમાં કુદરતના તમામ રંગો આ ચિત્રકારની કલામાં નિખરી ઉઠ્યા હતા. બાળ કલાકાર શ્રેય તેમનો પૌત્ર થાય છે.
3 હજારથી વધુ કારનાં વિવિધ મોડલના ચિત્રો બનાવ્યા
રાજકોટનાં કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા બાળ ચિત્રકાર શ્રેય પરમારે 3000થી વધુ વિવિધ કારના ચિત્રો બનાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. એક જ વિષય પર આટલા બધા ચિત્રો બનાવવા અને એ પણ બધા એકબીજાથી જુદા પડે તે એક ગઝબની કલા છે. માત્ર 8 વર્ષના બાળકે આ કરીને તેમની ક્ષમતા વૈશ્ર્વિકસ્તરે બતાવી હતી.