“વિશ્વના શ્રેષ્ઠ લોકતાંત્રિક દેશના નાગરિકો તરીકે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સહભાગી બનીને આપણે બધાજ શ્રેષ્ઠ નાગરીક ધર્મ બજાવીએ”
દેશની આન, બાન અને શાન રાષ્ટધ્વજને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા રાજકોટના શહેરીજનો
વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા
૭૦મા પ્રજાસત્તાક પર્વની રાજકોટના ચૌધરી હાઇસકુલના ખાતે શાનદાર ઉજવણી કરાઇ. ગુલાબી ઠંડીના ખુશનુમા માહોલ વચ્ચે દેશભક્તિના રંગેરંગાયેલા વાતાવરણમાં રાજકોટ શહેરના ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં શહેર કક્ષાના યોજાયેલ ૭૦માં પ્રજાસત્તાક પર્વમાં જિલ્લાના અધિક નિવાસી કલેકટરશ્રી પરીમલ પંડયાએ સમુહ ધ્વજવંદન કર્યા બાદ પ્રજાજનોને ૭૦મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે દેશના અનેક શહિદો અને રાષ્ટ્રભક્તોના પરીશ્રમના પરીપાકરૂપે મળેલી મહામુલી આઝાદીનું જતન કરીએ. વિશ્વના સૌથી શ્રેષ્ઠ લોકતાંત્રિક દેશના નાગરીક તરીકે રાષ્ટ્રના સર્વાગી વિકાસમાં સહભાગી બનીને સૌ કોઇને શ્રેષ્ઠ નાગરિક ધર્મ બજાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસગે અધિક નિવાસી કલેકટરશ્રી પરીમલ પંડયાએ રાજકોટમાં કરાયેલા વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨માં કોઇપણ કુટુંબ ઘર વિહોણું ન રહે તેવા દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના સંકલપને પરિપૂર્ણ કરવા રૈયાધાર આવાસ યોજનામાં સ્લમ રીહેબીલીટેશન નિતિ અન્વયે ઝંપડપટ્ટીના આશરે ૨૪૦ લાભાર્થી કુટુંબોને ઘરનું ઘર વિનામૂલ્યે આપવામાં આવેલ છે. જેનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂડા દ્વારા પણ મધ્યમ વર્ગના પરિવારો માટે રૂ. ૧૧ હજાર લાખના ખર્ચે આવાસો બાંધવામાં આવી રહયા છે. આ અગાઉના વર્ષેામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસો બનાવી અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરાયું છે. રૂ. ૧૮૦૦ લાખના ખર્ચે રીંગ રોડ ફેસ-૨ના બાંધ્કામની કામગીરી પ્રગતિમાં છે. રૂડાનાં તમામ ગામોએ કાયમી પાણી પુરવઠો પહોંચડવા માટે રૂ. ૪૩૦ લાખના ખર્ચે પાણી પુરવઠા યોજના કાર્યાન્વિત કરાઇ રહી છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટે રાજયસરકાર દ્વારા સાયકલ, ગણવેશ, અભ્યાસ, સ્કીલ ડેવલપમેન્ટ, ખાનગી ટયુશન, સાધન-સહાય, આદર્શ નિવાસી શાળા, પુનઃસ્થાપન, ગૃહનિર્માણ, શિબિર, બાંધકામ વગેરે માટે રૂ. ૩૨૬૧.૧૦ લાખની ચુકવણી લાભાર્થીઓને કરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે જોઇએ તો રાજકોટ ખાતે પી.એમ.એસ.વાય પ્રોગામ અંતર્ગત રુા. ૧૫૦ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. જેથી સુપર સ્પેશિયાલીટી સેવાઓનો વ્યાપ વધશે. રાજય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ, બાળરોગો તથા બાળકોની સર્જરી માટેની અદ્યતન સુવિધા સભર ૮ માળની મધર અને ચાઇલ્ડ હોસ્પીટલ રૂા. ૯૨ કરોડના ખર્ચે બનનાર છે. મા યોજના અન્વયે ર૦૯પર લાભાર્થીઓને રૂા. ૧૭૬૮.૭ર લાખ ની સારવાર આપવામાં આવેલ હતી. જયારે મા વાત્સરલ્ય યોજના હેઠળ ૪૭રપ૩ લાભાર્થીઓને રૂા. ૪૬૬૪.ર૮ લાખની સારવાર આપવામાં આવેલ છે.
ઔધોગિક ક્ષેત્રે રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહયું છે. તાજેતરમાં યોજાયેલ વાયબ્રન્ટ સિમિટ રાજકોટ ખાતે ઉદ્યોગો સ્થાપ્વાના કુલ ૯૦૮ એમ.ઓ.યુ. થયેલ છે. રાજકોટ સીટીમાં સ્માર્ટ પ્રોજેકટ અંતર્ગત ફેઇઝ-૨નું પણ લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨ કરોડના ખર્ચે શહેરમાં ૨૯૮ સી.સી. ટી.વી. કેમેરા ઇન્સટોલ કરવામાં આવેલ છે. ગુનાખોરી પર અંકુશ રાખવાના હેતુસર શાપર વેરાવળમાં તેમજ મેટોડા ખાતે સી.સી. ટી.વી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. જેનો રૂા. ૧ કરોડના ખર્ચે અદ્યતન કંટ્રોલરૂમ પોલીસ અધિક્ષકની કચેરી સંકુલમાં બનાવવામાં આવેલ છે. આમ રાજકોટ ઔધોગિક, શૈક્ષણિક, આરોગ્ય, માળખાગત સુવિધાઓ સહિત દરેકક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહયું છે. ત્યારે સૌ કોઇએ નાગરિક ધર્મનું પાલન કરી આ વિકાસની આગકુચમાં સહભાગી બનવા હરહંમેશ પ્રતિબધ્ધ રહેવા તેઓએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે દેશની આઝાદી માટે મહામુલુ પ્રદાન કરાનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ સર્વશ્રી એ.વી ટાંક અને શ્રી છબીલદાસ લાખાણીના વારસાદારોનું અધિક નિવાસી કલેકટરશ્રી પરીમલ પંડયાએ સન્માન કર્યું હતું.
અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા સમુહ ધ્વજવંદન કરીને રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ પરેડ અને માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડ અને માર્ચપાસ્ટમાં હથિયારદારી પોલીસ, એન.સી.સી. ગર્લ્સ તથા બોયઝ, હોમગાર્ડઝ સહિત કુલ ૩ જેટલી પ્લાટુનોએ ભાગ લીધો હતો. પરેડ કમાન્ડર તરીકે પી.એસ.આઇ. શ્રી પી.ડી.જાદવએ ફરજ બજાવી હતી તથા સેન્ટ પોલ સ્કુલની બેન્ડ પાર્ટીની સંગીતની સુરાવલીની સાથે રાષ્ટ્રગીતના ગાન અને માર્ચપાસ્ટમાં સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સાત જેટલી વિવિધ રંગારંગ કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજુ કરી હતી. આ કૃતિઓમાં એકરંગ માનસીક વિકલાંગ બહેનોની સંસ્થાની બહેનો દ્વારા આકર્ષક રાસની કૃતિ સહિત શ્રી મહાત્મા ગાંધી, સ્કુલ, સેન્ટ ગાર્ગી સ્કુલ, શ્રી વી.જે.મોદી સ્કુલ, શ્રી કે.જી.ધોળકીયા સ્કુલ, શ્રીસદગુરૂ રણછોડદાસ બાપુ હોમસાયન્સ કોલેજ, અને શ્રીકસ્તુરબા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, યોગ, દેશભક્તિથી શરાબોર શૌર્યગીતો, બેન્ડ પાર્ટી દ્વારા દેશભક્તિના ગીતોના સંગીત સુરાવલીના નિદર્શનો રજુ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી એ.ટી.પટેલ, રૂડાના મુખ્ય કારોબારી અધકારીશ્રી પી.વી.અંતાણી, રાજકોટના મામલતદારો સર્વશ્રી બરાસરા, શ્રી ભગોરા, શ્રી દંગી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, નગરના શ્રેષ્ડીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.