અબતક, રાજકોટ
રાજકોટ-ગોંડલ હાઇ-વે પર શાપર-વેરાવળ નજીક રોડ રીપેરીંગનું કામ ચાલુ હોવા છતાં બેદરકારી રાખી માણસની જીંદગી જોમમાય તે રીતે ફુલ સ્પીડે ટ્રક ચલાવી અકસ્માતની હારમાળા સર્જી દઇ પીએસઆઇ ગોહીલની સ્વીફટ કાર સહીત ચાર વાહનોને નુકશાન કર્યુ હતું. જેમાં પી.એસ.આઇ. ગોહીલનો ચમત્કારી બચાવ થયો હતો. અકસ્માત બાદ હાઇ-વે પર ટ્રાફીક જામ સર્જાતા પી.એસ.આઇએ ઇજાની પરવાહ કર્યા વગર ટ્રાફીક કલીયર કરાવ્યો હતો અને માતેલા સાંઢની માફક બેકાબુ ટ્રક ચલાવનાર ચાલકની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ લોધીકાના પાટડી ગામે રહેતા બોલેરોના ચાલક નરેશકુમાર રાયસિંહ જાટ (ઉ.વ.36) ની ફરીયાદ પરથી ટ્રક નંબર જીજે 11 ટી.ટી. 9933 ના ચાલક મુળ બિહારના મનોજ યાદવ સામે આઇ.પી.સી. કલમ 308, 337, 279, 427 અને એમ.વી. એકટની કલમ 177, 184 તેમજ જાહેર મીલ્કતને નુકશાન પહોચાડવા અંગેનો ગુનો નોંધી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી પોતાની બોલેરા કાર લઇને જતો હતો ત્યારે શાપર-વેરાવળ નજીક શિતળા માતાજીના મંદિર પાસે રોડ રીપેરીંગનું કામ ચાલતુ હોય બેરીકેટીંગ લગાવી પસાર થતા વાહનોને ધીમી ગતિએ સાઇડમાં ચલાવવા એક વ્યકિત હાથથી ઇશારા કરી રહ્યો હતો.
આમ છતાં ટ્રક ચાલુક ફુલ સ્પીડમાં માણસની જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી પ્રથમ બોલેરોને હડફેટે લઇ બોલેરોને રોડ રોલર સાથે અથડાવી નુકશાન કર્યુ હતું. ત્યારબાદ શાપર-વેરાવળના પીએસઆઇ કુલદીપસિંહ ગોહીલની સ્વીફટ કારને હડફેટે લેતા ભારે નુકશાન કર્યુ હતું. અને બાદમાં ટ્રક આગળ જતા આઇશરમાં ધુસી ગયો હતો.
અકસ્માતની હારમાળામાં શાપર-વેરાવળ પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહીલ અને બોલેરાના ચાલક નરેશકુમાર જાટનો ચમત્કારી બચાવ થયો હતો જો કે કુલદીપસિંહ અને નરેશકુમારને મુઢ ઇજા પહોંચી હતી.
એક તરફ રોડનું કામ ચાલતું હોય અને બીજી બાજુ માતેલા સાંઢની જેમ જેટ સ્પીડે આવેલ સીમેન્ટ ભરેલા ટ્રક ચાલકે એક સાથે ચાર વાહનોનો કડુચલો બોલાવી દેતા હાઇ-વે પર ટ્રાફીક જામ થઇ ગયો હતો. જો કે ઇજાની પરવાહ કર્યાવગર પીએસઆઇ ગોહીલે ટ્રાફીક વ્યવહાર કલીયર કરાવી ક્રેઇનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઇડમાં મુકાવી દીધા હતા.
શાપર-વેરાવળ પોલીસે મુળ બિહારના વતની અને હાલ અમદાવાદ રહેતા ટ્રક ચાલક મનોજ યાદવની ધરપકડ કરી સીમેન્ટ ભરેલ ટ્રક કબ્જે કર્યો હતો પોલીસની પુછપરછમાં આરોપી કોડીનારથી સીમેન્ટ ભરી અમદાવાદ જતો હોવાનું જાણવા મળ્યું છે.