રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં માર્ચ મહિનામાં મગફળીના બારદાનના જથ્થામાં આગ લાગી હતી. જેમાં 17 કરોડના બારદાન બળીને ખાક થઇ ગયા હતા. બારદાનકાંડમાં પોલીસે ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવડિયા સહિત આઠ આરોપીની ધરપકડ કરી હતી. આજે શનિવારે યોજાયેલી પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સમાં બારદાનકાંડમાં ગુજકોટના જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટે 31 લાખનો આર્થિક ફાયદો મેળવ્યાનું ખુલ્યું છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, બારદાન ખરીદી કરતી વખતે કરવામાં આવેલા ઇ-ટેન્ડરિંગ પ્રક્રિયામાં આરોપીના મળતીયાઓને જ ઓર્ડર આપવામાં આવ્યાનું ખુલ્યું છે. ટેન્ડરિંગ દરમિયાન ગુજકોટના જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટ દ્વારા 31 લાખનો આર્થિક ફાયદો મેળવ્યાનું ખુલ્યું છે. એફએસએલના રિપોર્ટ મુજબ શેડ નં.2માં અંદાજે 5 લાખ બારદાન ઓછા હોવાનું સામે આવ્યું છે.
આ ષડયંત્રમાં 3 આરોપીના નામ ખુલ્યા છે. જેમાં ગુજકોટના જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટ, સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવડીયા અને પરેશ સંખારવાના નામ આરોપી તરીકે ખુલ્યા છે. આ ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.