નિયત સંખ્યા કરતા વધુ છાત્રોનું પરિવહન કરતા સ્કૂલવાન સામે ઝૂંબેશ હાથ ધરાશે
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મળેલી માર્ગ સલામતી સમિતિની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, નિયત સંખ્યા કરતા વધુ બાળકોને સ્કૂલે મૂકવા જતા વાહનો સામે ઝૂંબેશ ચલાવી આવા સ્કૂલવાનને ડિટેઇન કરવામાં આવશે. આ ઝૂંબેશ ટ્રાફિક શાખા અને આરટીઓ દ્વારા સંયુક્તપણે હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ સાથે પોલીસ કમિશનર અગ્રવાલે એવી પણ મસલત કરી હતી કે, રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર ફૂટપાથ પણ દબાણો જોવા મળે છે. આવા દબાણો દૂર કરવા માટે જરૂર આઇવે પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરવો જોઇએ. નો-પાર્કિંગ અથવા ફૂટપાથ ઉપર દબાણ કરનારા લોકો પાસે બીએમસી એક્ટ મુજબ પણ દંડનીય કાર્યવાહી કરી શકાય છે.
માર્ગ સલામતીની બેઠકમાં આરટીઓ કચેરી દ્વારા એવી વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી કે, શહેરમાં સમયાંતરે ડિઝલથી ચાલતી ઓટોરિક્ષા સામે કાર્યવાહી કરવામાં આવે છે. હવે, આ કાર્યવાહી ઝૂંબેશના સ્વરૂપમાં હાથ ધરવામાં આવશે. શહેરમાં માત્ર પેટ્રોલ અથવા તો સીએનસી રિક્ષા ચલાવી શકાય છે.
ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા નિયમોનુસાર ન ચાલતા સ્કૂલ વાહનો વાહનો સામે ઝૂંબેશ ચલાવવાનું નિયત આ બેઠકમાં કરાયું છે. આ ઝૂંબેશ દરમિયાન ૧૮ વર્ષથી નીચેના છાત્રો જો વાહન ચલાવતા જણાય તો તેના વાલી સામે કાર્યવાહી કરવામાં આવશે. ૧૮ વર્ષથી ઉપરના છાત્રો હેલ્મેટ વીના ચલાવતા જણાય તો તેને દંડ ફટકારવામાં આવશે. વિશેષત: અમદાવાદમાં ચાલુ વાહને છાત્રા બહાર પડી જવાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે નિયત મર્યાદા કરતા વધુ છાત્રોનું પરિવહન કરતા વાહનોને ડિટેઇન કરવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના છ છાત્રોને ઓટો રિક્ષામાં અને ૧૨ છાત્રોને વાનમાં પરિવહન કરી શકાય છે.
માર્ગ સલામતી સમિતિની આ બેઠકમાં સિગ્નલ દુરસ્ત કરવા, બ્લેક સ્પોટ નક્કી કરવાસહિતની બાબતો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક રાઠોડ સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.