રાજકોટ મહાનગરપાલિકાએ ચા પીવા માટે વપરાતા પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મનપા કમિશનર બંછાનિધી પાનીએ જાહેરનામુ બહાર પાડી જણાવ્યું હતું કે, શહેરમાં ચા પીવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના કપનો વપરાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામા આવી રહ્યો છે. શહેરમાં સ્વચ્છતા અને લોકોના આરોગ્યને ધ્યાને રાખીને નિર્ણય લેવામા આવ્યો છે. આ ભંગ કરનારા વ્યક્તિ સામે ફોજદારી સુધીના પગલા લેવામાં આવશે.
ખાલી પાઉચ અને ચામાં વપરાતા કપ પાણીની લાઇનમાં ફસાઇ જાય છે
આ ખાલી પાણીના પાઉચ અને ચામાં આપવામાં આવતા પ્લાસ્ટિકના ખાલી કપ શહેરની મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈન, પાણીની લાઈનમાં, પાણીની નીક અને મોરીઓ તથા ગટર લાઈનમાં ફસાઈ જઈને પાણીનો નિકાલ સ્થગિત કરી દે છે. જેથી આવી લાઈનમાં ફસાયેલ પ્લાસ્ટિકના કપના નિકાલ કરવો ઘણું મુશ્કેલ બની જાય છે. તેમજ શહેરની સ્વચ્છતા જળવાતી નથી. જાહેર આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે અને આરોગ્ય માટે જોખમ ઉભું થાય છે. આનાથી સ્વચ્છ નાગરિક જીવનમાં ઉપદ્રવ ઉભો થાય છે જે અટકાવવો ઘણો જ જરૂરી છે.
આવી પ્રવૃત્તિ અટકાવવાના હેતુસર ધી બોમ્બે પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949ની કલમ 376/એ હેઠળ મળેલ સત્તાઓનીરૂએ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરના વિવિધ માર્ગો તથા રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાઓ તથા તમામસરકારી કચેરીઓમાં જે તે સ્થળે આવેલા ચાના સ્ટોલ, લારીઓ પર વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરી એ અંગે એક જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.