ડેમનું પાણી પીવા માટે અનામત હોય ગાંઠીયા, વાસી બ્રેડ, પ્લાસ્ટીક સહિતની વસ્તુઓ નાંખવા પર મનાય ફરમાવતું બોર્ડ સિંચાઇ વિભાગે લગાવ્યું
જીવદયાપ્રેમીઓ દ્વારા શહેરના અલગ-અલગ જળાશયોમાં માછલી સહિતની જીવસૃષ્ટિઓને પ્રયાપ્ત માત્રામાં ખોરાક મળી રહે તેવા શુભાશ્રય સાથે ડેમમાં ગાંઠીયા, લોટ સહિતની ખાદ્ય સામગ્રીઓ નાંખવામાં આવતી હોય છે. દરમિયાન આજી ડેમનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય આ પાણી પ્રદૂષિત ન થાય તે માટે સિંચાઇ વિભાગ દ્વારા આજી ડેમમાં ગાંઠીયા, વાસી બ્રેડ, પ્લાસ્ટીક કે અન્ય કોઇપણ પ્રકારની સામગ્રી નાંખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે જીવદયાપ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. કેટલાંક જીવદયાપ્રેમીઓ ભારે નિસાસા નાંખી આજે ડેમ સાઇટ પરથી પરત ફર્યા હતાં.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટને પીવાનું પાણી પુરૂં પાડતા આજી ડેમ છલકાય ગયો છે. ત્યારે તાજેતરમાં સિંચાઇ વિભાગના સેક્સન ઓફિસર દ્વારા આજી ડેમ ખાતે એક બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે આજીનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવતું હોય ડેમમાં કોઇપણ વ્યક્તિએ ગાંઠીયા, વાસી બ્રેડ કે પ્લાસ્ટીક સહિતની વસ્તુઓ નાંખવી નહી. પીવાનું પાણી પ્રદૂષિત ન થાય તેની આપણી ફરજ અને જવાબદારી છે. તેવી પણ અપિલ કરવામાં આવી છે.