મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઇનું સફળ ઓપરેશન: મશીનરી પાર્ટસની આડમાં દુબઇથી સોનું ઘૂસાડયાની અને અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં વેચાણ કર્યાની કબૂલાત: રાજુ નામના કમિશન એજન્ટની શોધખોળ: હવાલાથી પેમેન્ટ થયાનો ઘટ્ટસ્ફોટ

મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાજકોટના પટેલ શખ્સને રૂ.૧૫ કરોડની કિંમતના ૧૫ કિલો સોના સાથે ડીઆરઆઇના સ્ટાફે ઝડપી લેતા તેને સોનુ ડીશ આકારનું બનાવી તેના પર બ્લેક ફિલ્મ લગાવી મશીનરી પાટર્સ ગણાવી સોનાની દાણચોરી કરતો હોવાની અને તેને અત્યાર સુધીમાં ૧૦૫ કરોડનું સોનું પોતાના ભાઇની મદદથી રાજકોટ, અમદાવાદ અને જામનગરમાં વેચી નાખ્યાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. ડીઆરઆઇના સ્ટાફે દાણચોર પટેલબંધુ પાસેથી સોનું ખરીદનાર વેપારીઓની અને કમિશનથી સોનું વેચી આપનાર એજન્ટની શોધખોળ શરૂ કરતા સોની વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

મુંબઇ ડીઆરઆઇના સ્ટાફે રાજકોટના મિલન પટેલ નામના શખ્સને રૂ.૧૫ કરોડના ૧૫ કિલો સોના સાથે ઝડપી તેની સાથે સંડોવાયેલા તેના ભાઇ ગૌતમ પટેલને ઝડપી લીધો હતો.

ડીઆરઆઇના સ્ટાફે પટેલબંધુની પૂછપરછ કરતા તેઓએ સૌ પ્રથમ સુપર ક્વોલિટીના તાંબાને મશીનરી પાર્ટસ તરીકે ઘુસાડી હતી. બંને પટેલ શખ્સો મુળ પાકિસ્તાનના નાગરિક અને દુબઇ સ્થાયી થયેલા હનિફ નામના શખ્સના સંપર્કમાં આવતા તેને આ રીતે સોનું ભારતમાં લઇ જવાનું શિખવ્યુ હતુ.

મિલન પટેલ અને ગૌતમ પટેલે સ્કેનીંગમાં સોનુ ન પકડાય તે માટે સોનાને ડીસ આકારમાં ઢાળી તેના પર બ્લેક ફિલ્મ લગાવી કુરિયર સેલની મદદથી સરળતાથી મુંબઇ એરપોર્ટ સુધી પહોચતું કર્યા બાદ રાજુ નામના એજન્ટની મદદથી રાજકોટ, જામનગર અને અમદાવાદના સોની વેપારીને વેચી નાખ્યાનું બહાર આવ્યું છે.

બંને પટેલ શખ્સોએ તાંબાના બદલે પ્રથમ વખત ૫૦૦ ગ્રામ સોનું દુબઇથી લાવ્યા બાદ બંનેને ફાવટ આવી ગઇ હોય તેમ તેઓએ ૧૦૫ કરોડની કિંમતનું ૩૦૫ કિલો સોનું ભારતમાં લાવી વેચાણ કર્યાનું અને એક કિલો સોનાના વેચાણમાં તેઓને રૂ.૧.૩૦ લાખનો ચોખો નફો થતો હોવાનું ડીઆરઆઇની તપાસમાં બહાર આવ્યું છે.

મિલન પટેલ અને ગૌતમ પટેલે ચાલુ માસમાં જ ત્રણ ક્ધસાઇમેન્ટ ક્લિયર કરાવ્યાનું બહાર આવ્યું છે.

પટેલબંધુ પાસેથી રાજકોટ, જામનગર અને અમદાવાદના સોની વેપારીઓએ સોનું ખરીદ કર્યાની કબૂલાતના આધારે મુંબઇ ડીઆરઆઇના સ્ટાફે સોની વેપારીઓની તપાસ અર્થે સૌરાષ્ટ્રમાં

તપાસનો ધમધમાટ શરૂ કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.