પ્રથમ યાદીમાં જ નારણભાઈ સવસેતાનું નામ જાહેર કરી દેવાયું હતું છતાં કોંગ્રેસને ખબર ન પડી કે તેઓ ત્રણ સંતાનના પિતા છે: કોરૂ મેન્ડેટ ફોર્મ સાથે ઘુસી જતાં મતદાન પહેલા જ એક બેઠકની ખોટ
અનેકવાર ધોબી પછડાટ ખાવા છતાં કોંગ્રેસ ક્યારેય ચિંતન કરવાની તસ્દી લેતી નથી. દર વખતે ચૂંટણી પહેલા એવું દર્શાવવામાં આવે છે કે, કોંગ્રેસ આ વખતે ખુબજ ગંભીર અને એકજુટ છે. પરંતુ વાસ્તવમાં સ્થિતિ ખુબજ જ જુદી હોય છે. પખવાડિયા પૂર્વે જ ઉમેદવારની ઘોષણા પ્રથમ યાદીમાં કરવામાં આવી હતી તે ઉમેદવાર ત્રણ સંતાનના પિતા હોવાની વાતથી કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી અજાણ હોવાના કારણે ઉમેદવારી ફોર્મ રદ થવાની સ્થિતિ ઉભી થઈ હતી. તો બીજી તરફ કોરૂ મેન્ડેટ ફોર્મ સાથે ઘુસી જવાના કારણે કોંગ્રેસ મતદાન પહેલા જ એક બેઠક ગુમાવી દીધી છે.
શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી હતી. જેના કારણે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે મેન્ડેટ રજૂ કરવાને લઈ ભારે બઘડાટી બોલી હતી. ઉતાવળમાં કોંગ્રેસે ઉમેદવારના ફોર્મ સાથે કોરૂ મેન્ડેટ રજૂ કરતા એક બેઠકની નુકશાની પક્ષે વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ સામાન્ય રીતે પક્ષ મેન્ડેટ માટે એક જ વ્યક્તિને અધિકૃત કરતો હોય છે પરંતુ કોંગ્રેસે મેન્ડેટ માટે બબ્બે વ્યક્તિને અધિકૃત કર્યા હતા. ફોર્મ ક અને ખ માં બબ્બે સહી હોવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી માથાકૂટ ચાલી રહી છે. પોતાને ત્રણ સંતાનો હોવાની વાત અધિકારી સમક્ષ ખુલ્લી પડતા વોર્ડ નં.4ના એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. જો કે ડમીનો ફોર્મ માન્ય રહેતા કોંગ્રેસને થોડી રાહત થવા પામી છે. આજે તમામ જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે તુ..તુ..મેં..મેં.. સર્જાઈ હતી.
ભાજપે વોર્ડ નં.4 માં વિજય મેળવી લીધો છે તેવું લાગી રહ્યું છે: અરવિંદ રૈયાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે આજે સર્વે ઓફીસ ખાતે સ્થાનિક સ્વરાજયની ચુંટણીના વોર્ડ નં.4 થી 6 માં ભરેલ ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં કોંગ્રેસમાંથી મુખ્ય ઉમેદવાર જે ભગવતીપરાના નારણભાઇ સવસેતા તેનું ફોર્મ રદ થયું છે. તેના સ્થાને તેના ડમી ઉમેદવાર રામભાઇનું ફોર્મ માન્ય રાખ્યું છે. વોર્ડ નં.4 નું હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસનું હવે લગભગ બધુ પુરુ થઇ ગયું છે. હવે કોંગ્રેસનું કાંઇ રહેતું નથી. ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ વોર્ડ -4 માં વિજય કરી લીધો છે તેવું માનું છું.
નારણભાઇના ફોર્મમાં ક્ષતિ હતી સ્વૈચ્છીક રીતે અમે ફોર્મ પાછું ખેચ્યું: પ્રદિપભાઇ ત્રિવેદી
‘અબતક ’ સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ આગેવાન પ્રદિપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે વોર્ડ 4 થી 6 ના કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે મને અને જશવંતસિંહ ભટ્ટીને જવાદબારી સોંપવામાં આવી. જેમાં વોર્ડ નં.4 માં ભાજપ દ્વારા બે પ્રકારના વાંધા લીધેલા જે બન્ને યોગ્ય દલીલો અને પુરાવાઓ સાથે તેમના વાંધાઓ અમાન્ય ઠેરવી અમારા ફોર્મ માન્ય રખાવી શકયાં છીએ, સત્યનો વિજય થયો વોર્ડ નં. 4, પ અને 6 ત્રણેયમાં કોંગ્રેસના 1ર ઉમેદવારોને કોંગ્રેસ અધિકૃત કર્યા હતા. મેન્ડેટ આપ્યો હતો. તે બધા જ ઉમેદવારોના ફોર્મ કોઇપણ પ્રકારના વિઘ્ન વિના નિર્વિવાદ માન્ય રહી ગયા છે. હવે કોંગ્રેસ બેવડા જનુનથી અત્યારથી જ પ્રજા અને મતદારોની વચ્ચે જઇ પ્રચાર પ્રસાર કરશે. એક પણ મીનીટ બગાડયા વગર પ્રજાનો સંપર્ક કરો અને લોકશાહી પ્રક્રિયાને આગળ ધપાવો.
નારણભાઇના ફોર્મમાં યાંત્રીક રીતે ચકાસણીમાં કચાસ રહી જતાં તેમનું ફોર્મ અમાન્ય નથી રહ્યું અમે જ શરુઆતમાં કોંગ્રેસ પક્ષ તરફથી તથા નારણભાઇ તરફથી સુધારેલું સોગંદનામું રજુઆત કરી ફોર્મમાં યાંત્રીક ચકાસણીમાં સક્ષી રહી હતી.
તેનું ઘ્યાન દોરી સ્વૈચ્છીક રીતે નારણભાઇએ ઉમેદવારો પાછી ખેંચી છે. આપો આપ કોંગ્રેસના વૈકિલ્પ ઉમેદવાર રામભાઇનું ફોર્મ માન્ય રહ્યું છે. શિતલબેન પરમારનું મતદાર યાદીમાં નામ બાબતે તેમનો ક્રમાંક અને મતદાર યાદીમાં તેનું નામ બે સ્થળે હોવા વિશે રજુઆત કરી તેમાં ચુંટણી અધિકારીએ શાંતિથી સાંભળી ઇલેકશન રૂલ બુક મુજબ હવાલો આપી અમારી રજુઆત માન્ય રાખી શિતલબેનનું ફોર્મ માન્ય કર્યુ છે.
શરૂઆતમાં ભાજપે વાંધો લીધો હતો. તે વાત ટેકનીકલ ગ્રાઉન્ડ પર હતી. મેન્ડેટની અંદર અધિકૃત પ્રતિનિધિઓની એકથી વધુ પ્રતિનિધિઓની સહિ હોવા વિશે તેમાં પણ ચુંટણી અધિકારીએ પૂરતો અભ્યાસ કરી તમામ નિયમોનું અર્થધટન કરી પહેલી જ વારમાં ભાજપને જણાવ્યું કે આપને અમે લેખીતમાં જણાવીએ છીએ કે આપનો વાંધો અસ્વીકાર કર્યો છે. બીજો કોઇ વાંધો હતા નહીં.
નારણભાઇનું ફોર્મ અમાન્ય થતા મારું ફોર્મ માન્ય રહ્યું: રામભાઇ આહિર
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ-4 ના ઉમેદવાર રામભાઇ આહિરએ જણાવ્યું હતું કે આજે ઉમેદવારના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણીના ભાગરુપે કોંગ્રેસના ચાર ઉમેદવાર હાજર હતા. ત્યારે નારણભાઇ સવસેતાનું કોઇ કારણસર ફોર્મ રદ થતા ડમી ઉમેદવાર તરીકે મારૂ નામ જાહેર થયું છે. તે બદલ હું રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીનો આભાર વ્યકત કરું છું. હવે અમે ચારેય ઉમેદવાર કાર્યાલયનું ઉદઘાટન કરી ચુંટણી પ્રચાર શરૂ કરી લોકો વચ્ચે જઇ તેના પ્રશ્ર્નોને વાચા આપીશું, નારણભાઇના ફોર્મના રદ જણાવ્યું તો નારણભાઇના પ્રથમ પત્ની સાથે ડિવોર્સ થતાં ખ્યાલ ન આવતા ત્યારે ફોર્મ રજુ થઇ ગયું હતું. પરંતુ ગઇકાલે સાંજે ઘ્યાનમાં આવતા કે 1991ની સાલમાં તેમને પુત્રી હતી. ચુંટણી પંચના 2005 નિયમ મુજબ ત્રણ સંતાન ન હોવા જોઇએ, તેથી તેઓએ એક સોગંદનામું કરી આજે સામેથી રજુ કર્યુ હતું. અને ચુંટણીપંચ અધિકારીએ ફોર્મ અમાન્ય કર્યુ હતું.