રોગોના આયુર્વેદિક ઉપચાર અને આયુર્વેદ પ્રત્યે જાગૃતિ લાવવા શાખાની સરાહનીય કામગીરી

રાજકોટ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા લોકોનું સ્વાસ્થ્ય જાળવવાના હેતુસર સતત કાર્યરત છે. ત્યારે આયુર્વેદ શાખા દ્વારા રોગોના આયુર્વેદિક ઉપચાર અને આયુર્વેદ પ્રત્યે જન જાગૃતિ અર્થે વિવિધ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

નિયામક, આયુષ કચેરી-ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામક, આયુષ કચેરી-રાજકોટના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-રાજકોટ દ્વારા જિલ્લા ખાતે કુલ 27 આયુષ દવાખાનામાં આયુષ પદ્ધતિ દ્વારા ઉપચાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત નાણાકીય વર્ષમાં માર્ચ-2022 અંતિત કુલ 1,23,454 ઓ.પી.ડી. થયેલ હતી. તેમજ કોરોના જેવા રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથી આર્સેનિક આલ્બ-30નું વિતરણ તમામ આયુષ દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું. તેમજ ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લામાં યોજાયેલા કુલ 156 આયુર્વેદિક કેમ્પનો 10,519 જેટલા લોકોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને યોગ કરાવવા, સ્વસ્થવૃત શિબિરનું આયોજન કરવું જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. અને આયુષ મેડીકલ ઓફીસરો દ્વારા કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

આશા વર્કરોને અપાતી તાલિમ

આરોગ્ય શાખા અંતર્ગત ફરજ બજાવતા અને ગ્રામજનોના સીધા સંપર્કમાં રહેતા હોય એવા આશા/એ.એન.એમ. બહેનોને આયુર્વેદ પદ્ધતિ અને ઉપચાર અંગે માહિતગાર કરવા માટેની તાલીમ આપવાની યોજના પણ નેશનલ આયુષ મિશન અંતર્ગત કાર્યરત છે. જેમાં રાજકોટ જિલ્લાની 500થી વધુ આશા/એ.એન.એમ. બહેનોને આયુર્વેદ પદ્ધતિ થકી સામાન્ય રોગો અને ડાયાબીટીસના ઈલાજ માટેની તાલીમ આપવામાં આવી છે. તેમ જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી ડો. કિરીટ મોઢની યાદીમાં જણાવાયું છે.

જિલ્લામાં પાંચ આર્યુવેદ દવાખાના કાર્યરત

હાલમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત અનેક યોજનાઓ કાર્યરત છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં કુલ 5 આયુર્વેદ દવાખાનાને આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં અપગ્રેડ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યાન્વિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને એક જિલ્લા આયુષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.

જે દવાખાના ખાતે યોગા ઇન્સ્ટ્રક્ટર દ્વારા ગ્રામજનોને યોગ બાબતે માર્ગદર્શન આપી, યોગ સેશનનું આયોજન કરી યોગ કરાવવામાં આવી રહ્યા છે. નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુષ ગ્રામ યોજના માટે ખાખીજળીયા ક્લસ્ટર પસંદ કરવામાં આવ્યું છે. જેમાં સરકારની ગાઈડ લાઇન મુજબ ’મારુ ગામ, સ્વચ્છ ગામ, આયુષ ગામ’ના લક્ષ્ય સાથે ગામમાં નિદાન કેમ્પનું આયોજન, આયુર્વેદ અંગેનો પ્રચાર-પ્રસાર, ગ્રામજનોના તબીબી ડેટા એકત્રીત કરી, જરૂર મુજબ રોગોના ઉપચાર જેવી તમામ કામગીરી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.