રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મવડી-પાળ રોડ પર આવેલી શિવ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની 22 દુકાનો માટે જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ દુકાનોનું સફળતાપૂર્વક વેંચાણ થવાના કારણે કોર્પોરેશનને 8.80 કરોડની આવક થવા પામી હતી. આગામી 25મી જાન્યુઆરીલના રોજ વધુ 31 દુકાન માટે હરાજી હાથ ધરવામાં આવશે.
હરાજીમાં 136 આસામીઓએ લીધો ભાગ: એક દુકાનની હાઇસ્ટ કિંમત રૂ.47.30 લાખ ઉપજી
આજે શિવ ટાઉનશીપની 22 દુકાનોની હરાજીમાં 136 આસામીઓએ ભાગ લીધો હતો. એક દુકાનની હાઇએસ્ટ પ્રાઇઝ 47.30 લાખ ઉપજી હતી. દરમિયાન હવે આગામી 25મી જાન્યુઆરીના રોજ મવડી વિસ્તારમાં સ્પિડ વેલ પાર્ટી પ્લોટની પાછળ આવેલી સિતારામ ટાઉનશીપની 19 દુકાન, પારડી રોડ પર લાલ પાર્ક સોસાયટી પાસે કવિ ક્લાપી ટાઉનશીપની નવ દુકાન, ગોંડલ રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીર નર્મદ ટાઉનશીપની બે દુકાનો અને કુવાડવા રોડ પર વૃંદાવન સોસાયટી પાસે ભક્તકવિ નરસિંહ મહેતાની એક દુકાન માટે સવારે 9 કલાકે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જાહેર હરાજી યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ સ્થળ પર હાજર રહેવું પડશે.
સાથોસાથ ડિપોઝીટ પેટે બે લાખનો ચેક અથવા ડીડી હરાજીના દિવસે એસ્ટેટ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. ડિપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરાજીમાં ભાગ લઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની દુકાનોની કિંમતના સારા એવા ભાવો મળી રહ્યાં છે અને આ દુકાનની ખરીદી કરવા માટે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.