માર મારતા માઠું લાગતા નાના ભાઈએ ગળાફાંસો ખાધો તો મોટા ભાઈએ ઝેરી દવા ગટગટાવી
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતો યુવાન જુગારના રવાડે ચડતા તેના મોટા ભાઈએ ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું હતું. જેના કારણે નાના ભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો મોટાભાઈએ પણ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને ભાઈઓ વચ્ચે જુગાર બાબતે માથાકૂટ થયા બાદ બેય ભાઈઓના આપઘાતના પ્રયાસથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં સુખસાગર સોસાયટી શેરી નંબર-૨માં રહેતા સાવન મીઠાભાઈ પરમાર (ઉ.વ.૨૫) અને તેના મોટાભાઈ સંજય મીઠાભાઈ પરમાર (ઉ.વ.૩૦) બંનેએ પોતાના ઘરે આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફે તુરંત હોસ્પિટલ દોડી જઇ કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ નાનો ભાઈ સાવન પરમાર જે યાર્ડમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે તે ગત સાંજે ચુનારવાડ વિસ્તારમાં જુગાર રમવા ગયો હતો. જ્યાં જુગારના પટ્ટમાં સાવન પરમાર રૂ.૫૦૦૦ જીત્યો હતો. જેથી ત્યાં જુગાર રમવા આવેલા અન્ય શખ્સો સાથે માથાકૂટ થતા સાવનને માર માર્યો હતો.
જુગાર રમવા ગયેલા સાવન પરમારે આ અંગે ઘરે આવીને પોતાના મોટા ભાઈ સંજય પરમારને જાણ કરી હતી. જેથી જુગાર રમવા ગયેલા નાના ભાઈ સાવનને મોટા ભાઈ સંજયે ઠપકો આપી માર માર્યો હતો અને જુગાર રમવા જવાની ના પાડી હતી. બંને ભાઈઓ વચ્ચે જુગાર બાબતે મોટી માથાકૂટ થતા અને સામસામે આવી જતા માઠું લાગ્યું હતું.
જેથી માથાકૂટના કારણે પહેલા મોટાભાઈ સંજય પરમારે ગત રાત્રે પોતાના ઘરે ઝેર ગટગટાવી લીધું હતું. તો બીજી તરફ નાના ભાઈ સાવનને પણ માઠું લાગી આવતા તેને ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને ભાઈઓએ જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.