માકેર્ટીંગ યાર્ડ પાસે ઝઘડો કરતા સ્કોર્પીયોના ચાલકને સાઇડમાં જવાનું કહેતા ઘર સુધી પાછળ આવી છરી અને કડુ મારી એક લાખનો ચેન લૂંટ ફરાર
શહેરમાં લુખ્ખાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોય તેમ છતાં સીન જમાવવા લુખ્ખાઓએ ગંજીવાડાના વેપારી પિતા-પુત્ર પર છરી અને કડાથી હુમલો કરી એક લાખની કિંમતના સોનાના ચેનની લૂંટ ચલાવી સ્કોર્પીયોમાં ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઠ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડા શેરી નંબર ૩૧માં રહેતા અને ભાવનગર રોડ પર એસ.કે.વે બ્રીજનો ધંધો કરતા સિરાઝભાઇ કાસમભાઇ જુણેજાએ જી.જે.૩કેએચ. ૧ નંબરના સ્કોર્પીયોમાં આવેલા આઠ જેટલા શખ્સોએ છરી અને કડુ મારી ગળામાંથી રૂ.૧ લાખની કિંમતના સોનાના ચેનની લૂંટ ચલાવ્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સિરાઝભાઇ જુણેજા તેમના પત્ની સાથે મહેસાણા લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે માકેર્ટીંગ યાર્ડના પુલ પાસે જી.જે.૩કેએચ. ૧ નંબરની સ્કોર્પીયો માર્ગ પર આડી રાખીને કેટલાક શખ્સો એક હોન્ડા ચાલકને માર મારતા હોવાથી ટ્રાફિક જામ થયેલો હોવાથી સિરાજભાઇ જુણેજાએ સ્કોર્પીયો સાઇડમાં રાખવા અંગે કહેતા તેઓ સાથે ઝઘડો કર્યો હતો.
માકેર્ટીંગ યાર્ડના પુલ પાસે સિરાઝભાઇ જુણેજાને સામાન્ય ઝઘડો થયા બાદ તેમની હોન્ડા સિટી કાર લઇને પોતાના ઘરે ગંજીવાડામાં આવ્યા તે દરમિયાન સ્કોર્પીયો તેમની પાછળ આવી હતી અને તેમાં બેઠેલા આઠ જેટલા શખ્સો સિરાઝભાઇ જુણેજા પર છરી અને કડાથી હુમલો કરતા તેમને બચાવવા પુત્ર સમીર વચ્ચે પડતા તેને માર મારી સિરાઝભાઇ જુણેજાના ગળામાંથી રૂ.૧ લાખની કિંમતના ચાર તોલા સોનાના ચેનની લૂંટ ચલાવી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘવાયેલા સિરાઝભાઇ જુણેજાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. પી.ડી.પરમાર સહિતના સ્ટાફે જી.જે.૩કેએચ. ૧ નંબરના સ્કોર્પીયોમાં આવેલા આઠ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.