ચાની હોટલના સંચાલક સહિત ત્રણ શખ્સોએ વેપારીને માર માર્યો: સોનાના ચેઇન અને રોકડની લૂંટનો પણ આક્ષેપ
રાજકોટ શહેરમાં વહેલી સવારે યાજ્ઞિક રોડ પર વેપારીને મનપામાં કરેલી અરજીનો ખાર રાખી ચાની હોટલના સંચાલક સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો. ઉપરાંત આ ત્રણેય શખ્સોએ યુવાનને માર મારી ઓફિસમાં રહેલી રોકડ અને યુવાને પહેરેલો સોનાનો ચેઈન લૂંટી લીધાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આમ્રપાલી પાસે ગુલાબનગર કૃષ્ણકુંજમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર ચંદુભાઈ ભેળ વાળાની બાજુમાં આવેલા કોમ્પલેક્ષમાં પટેલ માર્કેટિંગ તરીકે ઓફિસ ધરાવતા રાહુલભાઈ કિશોરભાઈ પાદરીયા નામના 33 વર્ષીય યુવાન પર એ જ કોમ્પલેક્ષમાં ઠાકરધણી ચાની હોટલ ચલાવતા ધુધા સહિત ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. જેથી રાહુલભાઈ ઓફિસ ખુલ્લી જ રાખી સિપી કચેરી તરફ દોડ મૂકી હતી.આ હુમલામાં ઘવાયેલા રાહુલભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ મથકના પીએસઆઈ કે.એસ.ભગોરા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રાહુલભાઈને નવાગામમાં ગોડાઉન છે અને યાજ્ઞિક રોડ પર પટેલ માર્કેટિંગ તરીકે ઓફિસ ધરાવે છે. તેમની બાજુમાં આવેલી ઠાકરધણી ચાની હોટલના સંચાલકો થડો નડતર રૂપ રાખીને ધંધો કરતા હોય જે બાબતે રાહુલભાઈ અને તેમના પિતા કિશોરભાઈએ અનેક વખત કોર્પોરેશનમાં અરજી કરી હતી. જે બાબતનો ખાર રાખી ચાની હોટલના સંચાલક ધૂધા સહિતના સાગરીતો ધમકી દેતા હોય જેથી યુવાને પોલીસમાં પણ તે બાબતે અરજી કરી હતી.આજ રોજ વહેલી સવારે રાહુલભાઈ જીમમાં જતા હતા તે પહેલા પોતાની ઓફિસે સાફસફાઈ કરવા ગયા ત્યારે ધુધા સહિત ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં ઘવાયેલા યુવાને તેમની ઓફિસમાંથી રોકડ અને પોતે પહેરેલા સોનાના ચેઇનની લૂંટ કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.