રાજકોટના વેપારીને ડોકટરના નામે શીશામાં ઉતારી લોખંડના સળીયા અને પતરા મંગાવી વેંચી નાખ્યા: આયુર્વેદીક ડોકટરે વૈભવી મોજશોખ પુરા કરવા અનેક સાથે ચીટીંગ કર્યાની કબુલાત; પાંચ દિ’ના રિમાન્ડ મંજૂર
કોરોનાકાળમાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે ત્યારે ભેજાબાજ ચીંટગે આવી કપરી પરિસ્થિતિમાં પણ બેફામ બન્યા છે જેમાં શહેરના લોખંડના વેપારીને કોવિડ હોસ્પિટલ બનાવવાનું કહી ડોકટરના નામે વાતચીત કરી 15 લાખના લોખંડના સળીયા અને 15 લાખના લોખંડના પતરા મંગાવી ચીટીંગ કરનાર અઠંગ ચીટરની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી ચીટર ગેંગના અન્ય ચાર સાગ્રીતોની સઘન શોધખોળ શરૂ કરી છે.
રાજકોટના વિમલનગરમાં રહેતા અને 15ફૂટ રીંગરોડ પર પેઢી ધરાવતા મયુર જીવરાજભાઈ વસોયાએ યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત જુલાઈ માસમાં ફરિયાદી અને તેના કાકા પર ફોન આવ્યો હતો ફોન કરનારે ડો. કાલરીયા બોલુ છું અમારે કોવિડ હોસ્પિટલ બનાવી છે તેના માટે લોખંડના સળીયા અને પતરાની જરૂરીયાત હોવાનું જણાવી ફરિયાદીને સળીયા અને પતરાનો ઓર્ડર આપ્યો હતો.
ફોનમાં થયેલ વાતચીત મુજબ ફરિયાદી યુવાને 15 લાખના સળીયા સાણંદ મોકલાવ્યા હતા જયારે 15 લાખના પતરા માલીયાસણ મંગાવ્યા હતા જેની ડીલેવરી થઈ ગયાબાદ પૈસાની માંગણી કરતા ટ્રસ્ટીઓ મુંબઈ ગયા છે. આર.ટી.જી.એસ.નહી થઈ શકે હું ચેક મોકલાવું છું તેમ જણાવ્યું હતુ.
બાદમાં ચેક ખાતામાં નાખતા નાણાના અભાવે પરત ફર્યો હતો. જે બાબતે આરોપીનો સંપર્ક કરવા જતા મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા.રાજકોટના વેપારીએ છેતરાયાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે તુષાર સહિતના શખ્સોના નામ આપ્યા હતા પોલીસે મોબાઈલની કોલડીટેઈલના આધારે તપાસ કરતા ભેજાબાજ ચીટર તુષાર બાબુ લુહાર મુંબઈ થાણે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના હરદેવસિંહ રાયજાદા સહિતના સ્ટાફે ગઈકાલે આરોપીનો મુંબઈ પોલીસ પાસેથી કબજો મેળવી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપી તુષાર લુહાર મુંબઈના મીરા ભાયંદર રોડ પર રહેતો હોવાનું અને બેચરલ ઓફ મેડીકલ સાયન્સ સુધી અભ્યાસ કર્યા બાદ સર્જીકલ ઈન્સ્ટુમેન્ટનો વ્યવસાય કરતો હતો પરંતુ મોજશોખ ટુંકી આવકમાં પુરા નહી થઈ શકતા ચીટીંગના રવાડે ચડી ગયો હતો. અને પોતાની ગેંગ બનાવી હતી જેમાં ભાવિન રૂપારેલીયા જેસલ હિંડોચા, કેતન ખાંભલા, જયેશ પટેલ સહિતના સાગ્રીતો સાથે દેશભરમાં અનેક સ્થળે ચીટીંગ કર્યાની કબુલાત આપી છે.પોલીસે આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરવા અને નાસતા ફરતા સાગ્રીતોને ઝડપી લેવા એ.એસ.આઈ. હરદેવસિંહ રાયજાદા સહિતની ટીમ મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.
પોલીસની આકરી પૂછપરછમાં અઠંગ ચીટર તુષાર લુહાર ચીટીંગમાંથી મળતા નાણા ડાન્સબારમાં મોજશોખ પાછળ વેડફી નાખતો હોવાની કબુલાત આપી છે.
યુપીના મુખ્યમંત્રી સાથે પણ ચીટીંગ કર્યું
રાજકોટ પોલીસના સકંજામાં સપડાયેલ મુંબઈના આયુર્વેદીક ડોકટર તુષાર લુહારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સાથે પણ ચીટીંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરપ્રદેશમાં કોરોના કાળ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં ટ્રસ્ટ દ્વારા સંચાલીત 100 જેટલી હોસ્પિટલમાં સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ પૂરા પાડવા બાબતે ચીટીંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.