અબતક-રાજકોટ
કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. પસંદગી પામેલ 6 શહેરો પૈકી રાજકોટ શહેરની પણ આ યોજના માટે પસંદગી કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ (સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળના કાર્યક્ષેત્ર હેઠળ કરવામાં આવનાર છે તથા રાજકોટ મહાનગરપાલિકા તરફથી નોડલ ઓફિસર તરીકે સીટી એન્જીનીયર (સ્પે.)ની નિમણુક કરવામાં આવેલ છે. આસામ ખાતેથી અધિક મુખ્ય સચિવ અને આસામ સરકારના સંયુક્ત સચિવ હેમંતા ભુયાન, દ્વિજેન દાસ, ગૌરવ જૈના અને સંજીવ ઇન્ગટી આ પ્રોજેક્ટની સમીક્ષા કરી સાઈટ વિઝીટ કરી હતી.
ફ્લેટ વિથ ફર્નીચર સાથેનું આવાસ ટૂંક સમયમાં લાભાર્થીઓને સોંપી દેવાશે
રૈયા સ્માર્ટ સીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલ છે. જેમાં દરેક આવાસમાં 2 રૂમ, રસોડું, સંડાસ-બાથરૂમ, વોશિંગ એરિયા મળીને પાર્કિંગમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ગાર્ડન, કોમ્યુનીટી હોલ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. કુલ રૂ. 118 કરોડના ખર્ચે 1100 થી વધુ આવાસો બનનાર છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં દેશમાં સૌને પાક્કા સુવિધાસભર આવાસો પુરા પડવાની નેમ ધરાવે છે. જે અંતર્ગત દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકીસાથે વધુ પ્રમાણમાં આવાસો બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે.
નાયબ કમિશનર એ.આર. સિંહ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સમગ્ર પ્રોજેક્ટ બાબતે વિગતવાર માહિતી આપ્યા બાદ જોઈન્ટ સાઈટ વિઝીટ કરવામાં આવેલ હતી. આસામ સરકાર તરફથી આવેલ અધિકારીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરેલ હતો. તેઓની સાથે આ પ્રોજેક્ટના નોડલ ઓફિસર અને સીટી એન્જીનીયર એચ.યુ.દોઢીયા તેમજ તેના તાબા હેઠળનો આવાસ યોજના (ટેકનીકલ) વિભાગનો સ્ટાફ હાજર રહ્યા હતા.