રૂરલ બોમ્બ સ્કોડમાં ફરજ બજાવતા રામદેવસિંહ જાડેજાનું બીમારીના કારણે અવસાન
જામનગર રોડ પર પરાશર પાર્કમાં રહેતા અને રાજકોટ રૂરલ પોલીસમાં બોમ્બ સ્ક્વોડમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં રામદેવસિંહ મનુભા જાડેજા (ઉ.વ.૫૮)નું આજે તા. ૨૪/૬ના દુ:ખદ અવસાન થયું છે. તેઓ જસવંતસિંહ મનુભા જાડેજાના મોટા ભાઇ, વિજયસિંહ જસવંતસિંહ જાડેજાના મોટા બાપુ તથા જયવર્ધનસિંહ જાડેજાના દાદા તેમજ રાજેન્દ્રસિંહ હેમુભા ઝાલા (પત્રકાર-એડવોકેટ) તથા અનિરૂધ્ધસિંહ હેમુભા ઝાલાના બનેવીસાહેબ થાય છે.
સ્વ. રામદેવસિંહ જાડેજા પોલીસ માઉન્ટેન પોલીસ હેડક્વાર્ટરમાં ઘોડેસવારીમાં અને છેલ્લે રૂરલ બોમ્બ સ્ક્વોડમાં એએઅસાઇ તરીકે ફરજ બજાવતાં હતાં. કરૂણતા એ છે કે છ દિવસ બાદ આગામી ૩૦/૬/૨૩ના રોજ તેઓ વયમર્યાદાને કા૨ણે પોલીસની ફ૨જમાંથી નિવૃત્ત થવાના હતાં. તેના છ દિવસ પહેલા તેમનું આજે કેન્સરની બિમારીથી અવસાન થતાં પરિવારજનો, પોલીસબેડા અને મિત્રવર્ગમાં ગમગીની વ્યાપી ગઇ છે.
બે વર્ષ પહેલા સ્વ. રામદેવસિંહ જાડેજાના પુત્ર નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૨)નું કો૨ોના મહામારીને કારણે અવસાન થયું હતું. જાડેજા પરિવા૨ પર બે વર્ષમાં બીજો વજ્રઘાત થતાં ગમગીની વ્યાપી ગઇ છે. સ્વ. રામદેવસિંહ જાડેજા ખુબ જ મળતાવડા અને મિલનસાર સ્વભાવને કારણે સાથી કર્મચારીઓમાં સારી નામના ધરાવતાં હતાં. સ્વ. રામદેવસિંહ જાડેજાને તેમના વતન કોટડાનાયાણી ખાતે આજે બપોરે રૂરલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.