• રૂ. 4.50 લાખની ઉઘરાણી કરી સતત માનસિક ત્રાસ આપતાં દંપતીએ છતર ગામે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો’તો

ટંકારાના છત્તર ગામે આવેલ પ્રાથમિક શાળા નજીક ગત સપ્તાહમાં રાજકોટ તાલુકાના હડાળા ગામે રહેતા પ્રૌઢ દંપતીએ ઝેરી દવા પી લેતા તેઓ બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વારા ફરતી દમ તોડ્યો હતો. ત્યારે આપઘાત કરવા પાછળ મૃતક દંપતીના પુત્ર દ્વારા પોતાના માતાપિતાને મરવા મજબુર કરનાર રાજકોટના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ ચકચારી પ્રકરણમાં ટંકારા પોલીસે બંને રાજકોટના વ્યાજખોર સામે મરવા મજબુર કરવાની કલમ તથા ગુજરાત નાણા ધીરધાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રાજકોટ એલસીબી ઝોન-1 દ્વારા એક વ્યાજંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજકોટ તાલુકાના હડાળા ગામના વતની અને હાલ રાજકોટના 80 ફુટ રિંગ રોડ, મટુકી રેસ્ટોરન્ટ ભક્તિ સાનિષ્ય ફ્લેટ નં.બી બ્લોક 603માં રહેતા અને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નિલેશભાઈ ખુંટ (ઉ.વ.25) એ ટંકારા પોલીસ મથકમાં આરોપી અશ્વિનભાઇ રાવતભાઇ મારુ તથા દિવ્યેશ પરબત ડવ(ઉ.વ.40) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ 306,506,507 તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધો હતો. મિલનભાઈ ખુંટ દ્વારા ફરિયાદમાં જણાવ્યું કે બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે નાણા વ્યાજે આપતા હોય જેથી મિલનભાઈના પિતા નિલેશભાઈ કે જેઓને ધંધામાં આર્થિક જરૂરિયાત ઉભી થતા આરોપી અશ્વિનભાઈ પાસેથી રૂ.4 લાખ અને આરોપી દિવ્યેશભાઈ પાસેથી રૂ.50 હજાર એમ બંને પાસેથી ત્રણ ટકા લેખે વ્યાજે રૂપિયા લીધા હતા.જેથી આ બંને આરોપીઓ અવાર-નવાર ફોન કરી તથા રૂબરૂ મળી રૂપિયાની તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક- ધમકી આપી દબાણ કરી માનસિક ત્રાસ આપતા હતા. ત્યારે સમાજમાં આબરૂ જવાની બીકે મિલનભાઈના પિતા બંને આરોપીઓ સામે ફરિયાદ કરવાનું ટાળતા હોવાની અગાઉ મિલનભાઈને તેમના પિતા દ્વારા વાત કહી હતી. ત્યારે આરોપીઓ દ્વારા કરવામાં આવતી વ્યાજની પઠાણી ઉઘરાણીમાં અસહ્ય માનસિક ત્રાસ આપતા આખરે કંટાળી જઈ ગત તા. 30 એપ્રિલના રોજ મિલનભાઈના માતા-પિતાએ છત્તર ગામની પ્રા.શાળા પાસે પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોય જે મુજબની ફરિયાદ લઇ બંને વ્યાજંકવાદીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન રાજકોટ એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી. બોરીસાગરની ટીમે કોમ્બિંગ નાઈટ દરમિયાન બાતમીના આધારે દિવ્યેશ પરબતભાઈ ડવ (ઉ.વ.40) રહે સુખરામનગર શેરી નં. 5, હરિધવા રોડવાળાને ઝડપી લીધો હતો. જયારે હાલ અન્ય આરોપી નિલેશ મારૂની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.