પ્રેમની પરીક્ષાની નરાધમે હદ વટાવી, ધગધગતા તેલમાં પ્રેમીકાને હાથ નખાવ્યા
લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારી તરછોડી દેતા ગુનો નોંધાયો હતો
રાજકોટમાં મનપાનાં ઇસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નં.18ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (એટીપી) વિપુલ મનસુખ મકવાણા દ્વારા મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી સતત ત્રણ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી તરછોડી દેતા મહિલાએ ભક્તિનગર પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે મનપાના કર્મીની ધરપકડ કરી છે. નરાધમે પ્રેમની પરીક્ષા લેવા માટે પ્રેમીકાના હાથ ધગધગતા તેલમાં નખાવ્યા હતા. જેમાં મહિલા દાઝી જતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી.
વિગતો મુજબ ભોગ બનનાર મહિલા કોન્સ્ટેબલે પોલીસને જણાવ્યું કે 2018માં રૈયા ચોકડીએ મનપા દ્વારા ડીમોલીશન ક2વામાં આવ્યું હતું. જયાં બંદોબસ્તમાં તેની ડયુટી હતી. તે વખતે આરોપી વિપુલ સાથે પરીચય થયો હતો. બંનેએ મોબાઈલ નંબરની આપ- લે કરી હતી. દસેક દિવસ બાદ વિપુલે કોલ કરી સીપી કચેરીમાં કોઈની ઓળખાણ હોય તો હથીયારનું લાયસન્સ કઢાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.જેથી તેને ફોર્મ વગેરે લઈ આપ્યા હતા. એક વખત તેનું પોલીસ મથકમાં બીપી લો થઈ જતા હોસ્પિટલ લઈ જવાઈ હતી. જેની જાણ થતા વિપુલ તેને હોસ્પિટલ મળવા આવ્યો હતો. બાદમાં તેને ઘરે મુકી ગયો હતો. એક વખત ધાર્મિક પ્રસંગમાં વિપુલ માતા, પિતા અને ભાઈ સાથે આવ્યો હતો તે વખતે તેની સાથે ફરીથી મુલાકાત થઈ હતી. બાદ લગ્ન કરવા હોય તો જ પોતે આગળ વધશે તેમ કહ્યું હતું.
ત્યારબાદ વિપુલે તેના પરીવાર સાથે વાતચીત કરવાનું કહ્યું હતું. 2020 ના ડીસેમ્બર મહિનામાં તે પોતાના ઘરે હતી. ત્યારે વિપુલે ત્યાં આવી તારી સાથે લગ્ન જ કરવા છે તેમ કહી શરીર સંબંધની માંગણી કરી હતી. શરીર સંબંધ બાંધ્યો હતો. 2021 ના માર્ચ મહિનામાં હોળીના તહેવાર ઉપર ફરીથી તેના ઘરે આવી શરીર સંબંધ બાંધ્યો હતો. તે લગ્નની વાત કરતી તો વિપુલ પરીવારના સભ્યો સાથે વાત કરીશ તેમ કહી વાત ટાળી દેતો હતો.
તા. 25-12-2022ના રોજ વિપુલે તેને વિડિયો કોલ કરી કહ્યું કે તું જો મને લવ કરતા હોય તો તારો હાથ બાળી નાખ. જેથી તેણે ગરમ તેલમાં જમણો હાથ નાખી દેતા દાઝી ગઈ હતી. જેને કારણે પરીવારના સભ્યો તેને દવાખાને લઈ ગયા હતા.
લગ્નની વાત કરવા માટે વિપુલે તેને નાગેશ્વરમાં ઉર્વશ એપાર્ટમેન્ટમાં આવેલા પોતાના ફલેટે બોલાવી ઝઘડો કરી બે તમાચા ઝીંકયા બાદ બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી 31 જાન્યુઆરીના રોજ વિપુલે તેના ભાઈ પંકજ સાથે વાણીયાવાડીના બગીચે આવી આપણા લગ્ન શકય નથી તેમ કહી દીધું હતું.
બીજા દિવસે વિપુલના મોટાભાઈ સુનિલે તેના પરીવારના સભ્યોને લઈને લગ્નની વાત કરવા બોલાવ્યા હતા. પરંતુ વિપુલે ફોન ઉપાડયો ન હતો અને રેસકોર્સ મેદાનમાં લગ્ન બાબતે વાતચીત કરવા ત્રણ દિવસ બોલાવી હતી. આ પછી માનસીક ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ આરએમસીની ઓફિસે બોલાવી ઝઘડો કરી મારે તારી સાથે લગ્ન નથી કરવા અને મારા પરીવારના સભ્યો પણ આપણા લગ્ન માટે રાજી નથી તેમ કહી દીધું હતું. સાથોસાથ તેના ફોટા સગા-સંબંધીઓને મોકલવાની ધમકી આપતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિપુલની ધરપકડ કરી છે.