મુંબઇની મહિલાની ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો
જંકશન પ્લોટ કો.ઓ.હાઉસીંગ સોસાયટીનો પ્લોટ બીજાના નામે ચડાવી કોર્ટમાં ખોટા દાવા કરી પ્લોટ વિવાદી કરી પચાવી પાડવા અંગેની ભાજપના કાર્યકર સામે લેન્ડ ગ્રેબીંગ અંગે ગુનો નોંધાતા પ્ર.નગર પોલીસે વોર્ડ નંબર 3 ભાજપના મહામંત્રીની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંબઇ વિલે પારલેમાં વ્રજકુંજ સોસાયટીમાં રહેતા અલ્પાબેન રાજેન્દ્રભાઇ જોષીએ રાજકોટના ભાજપના કાર્યકર રાજુભાઇ ઘનશ્યામભાઇ દરિયાનાણી સામે જંકશન પ્લોટ કો.ઓ.હાઉસીંગ સોસાયટીનો પ્લોટ પચાવી પાડયા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જંકશન પ્લોટ કો.ઓ.હાઉસીંગ સોસાયટીના પ્લોટ નંબર 16 શાંતિલાલ નારાયણપ્રસાદ શાસ્ત્રીને ફાળવવામાં આવ્યો હતો. તેમની પાસેથી અલ્પાબેન જોષીના સસરા શશીચંદ્ર જોષીએ ગત તા.8-11-63ના રોજ વેચાણ દસ્તાવેજ કરાવી ખરીદ કર્યો હતો. શશીચંદ્ર જોષીના અવસાન થતા તેમના વારસદાર અલ્પાબેનના પતિ રાજેન્દ્રભાઇ જોષીને મળ્યો હતો. રાજેન્દ્રભાઇ જોષી બીમાર રહેતા હોવાથી તેઓએ પોતાની પત્ની અલ્પાબેનને તા.19-9-13ના રોજ કુલમુખત્યારનામું લખી આપ્યું હતું.
કિંમતી પ્લોટ રાજેન્દ્રભાઇના નામે સોસાયટીના પ્રમુખ અને મંત્રીએ ચડાવ્યો ન હતો અને પ્લોટ સોસાયટી દ્વારા ખાલસા કરવામાં આવ્યાનું જણાવી પુષ્પાબેન ખ્ખરના નામે પ્લોટ એલોર્ટ કરી નામે ચડાવી દીધો હતો. તેમજ પ્લોટ પર સોસાયટીનો કબ્જો હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. પ્લોટ ચડાવી કોર્ટમાં ખોટા દાવા કરી રાજુભાઇ ઘનશ્યામભાઇ દરીયાનાણીએ પ્લોટ પર કબ્જો કરી પચાવી પાડયા અંગેની જિલ્લા કલેકટર કચેરીમાં કરેલી અરજીની કમિટી દ્વારા થયેલી તપાસના અંતે ગુનો નોંધવા કરેલા આદેશના પગલે પ્ર.નગર પોલીસમાં રાજુભાઇ દરીયાનાણી સામે લેન્ડ ગ્રેબીંગ અંગેનો ગુનો નોંધી પ્ર.નગર પી.આઇ. એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે રાજુ દરીયાનાણીની ધરપકડ કરી છે.