આરએમસીના આવાસનું નકલી ફોર્મ અને સ્ટેમ્પ બનાવી ચાર લોકોને ફોર્મ આપી પૈસા પડાવ્યા
દેણું ચૂકતે કરવા શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા સમગ્ર કારસ્તાન રચ્યાની કબૂલાત
ઓછી આવક ધરાવતા લોકો પોતાનું ઘરનું ઘર ઓછી કિંમતે મેળવી શકે તે માટે સરકાર દ્વારા આવાસ યોજનાની સ્કીમ કાઢવામાં આવી છે.પરંતુ રાજકોટમાં એક શખ્સે આરએમસીના આવાસનું નકલી ફોર્મ બનાવી તેમાં નકલી સિક્કો લગાવી ચાર જેટલા લોકોને તે ફોમ આપી તેમની પાસેથી રૂ.૯૦ હજાર પડાવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાતા પોલીસ તેની ધરપકડ કરી હતી જેમાં તેને કબૂલાત આપી હતી કે તેને પોતાનું દેણું ચૂક્યું કરવા માટે શોર્ટકર્ટથી પૈસા કમાવા માટે સમગ્ર કારસ્તાન રચ્યની કબૂલાત આપી હતી.
વિગતો મુજબ રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટર્સ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનારા અમિત ભાવસિંગભાઈ ચૌહાણ નામના શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રવિશંકરભાઈ ગૌતમ નામના ફરિયાદીની ફરિયાદ આધારે અમિત ચૌહાણ સામે ગુનો નોંધ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, પોતે પોતાના માટે ક્વાર્ટર શોધી રહ્યા હતા જે દરમિયાન તેમને આરોપી અમિત ચૌહાણ સાથે સંપર્ક થયો હતો.
અમિત ચૌહાણ એ તેમને વિશ્વાસમાં લઈ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસ યોજનાના ક્વાટર્સ અપાવી દેશે તેવું જણાવ્યું હતું. જે પેટે રાજકોટ મહાનગરપાલિકામાં કટકે કટકે ભરવાના થતા રૂ. ૯૦ હજાર લઈ તે રૂપિયાના બદલામાં આવાસના ક્વાર્ટર્સનું અરજી ફોર્મ સ્વીકાર્યાનું રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ લગાડી ફોર્મ સ્વીકારનાર તરીકેની સહી પણ કરી આપી હતી.
ત્યાર બાદ રવિશંકર ગૌતમ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પાસે રહેલી પહોંચ ખોટી છે. તેમજ પહોંચમાં લગાવવામાં આવેલો રાજકોટ મહાનગરપાલિકાનું સ્ટેમ્પ પણ ખોટો છે. જે બાબતની જાણ થતા ફરિયાદી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિતભાઈ ભાવસિંગભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનાના કામે વાપરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાનો ડુપ્લીકેટ સ્ટેમ્પ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાના એક જ સિરીઝના ફોર્મ કબ્જે કરવામાં આવ્યા છે.
આરોપીએ અત્યાર સુધીમાં કુલ 4 અરજદારો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.આરોપી દેણામાં આવી દેણું ચૂકતે કરવા શોર્ટકર્ટથી રૂપિયા કમાવવા આ રસ્તો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ,આરોપી અમિત ચૌહાણ અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.