ભૂગર્ભ ગટરના પ્રશ્ને ત્રણ મહિલા સહિત છ શખ્સો ઘાતક હથિયાર વડે બે પિતરાઈ પર તૂટી પડ્યા: ખૂનની કોશીસનો નોંધતો ગુનો
ચાર શખ્સોએ સામા પક્ષના ઘરમાં ઘુસી તોડફોડ કર્યાની નોંધાતી ફરિયાદ
હિંમતનગર, ખંભાત અને દ્વારકામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા અને કોમી હુલ્લડોની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ થઈ છે. ત્યારે રાજકોટના અતિ સંવેદનશીલ વિસ્તાર પોપટપરામાં ભરવાડ અને મુસ્લિમ જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા કોઈ પણ તંગદિલી ના સર્જાઈ તે માટે પોલીસના ધડે-ધડા ઉતારી દેવામાં આવ્યા હતા. આ અંગે પોલિસે સામસામે ગુનો નોંધી મહિલા સહિત છ શખ્સોને દબોચી લીધા હતા.
રાજકોટના પોપટપરા વિસ્તારમાં ગઈ કાલે જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં ત્રણ મહિલા સહિત છ શખ્સોએ ઘાતક હથિયાર વડે બે પિતરાઈ પર જાનલેવા હુમલો કર્યાનો ગુનો નોંધાયો હતો. તો સામા પક્ષે ચાર શખ્સોએ ઘરમાં ઘુસી તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે સામસામે પક્ષે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા ત્રેપનિયા ક્વાર્ટર પાસે રહેતા મોહિત ગલાભાઇ મકવાણા અને તેનો પિતરાઇભાઇ ગોકુળ લખુભાઇ સિંધવ નામના યુવાનો બુધવારે સાંજે તેમની વાડીએથી પરત તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા. ત્યારે મોહિતની વાડીની બાજુમાં જ વાડી ધરાવતા રહીમ ખીરા, તેની પત્ની રહેમતબેન, પુત્ર હુશેન સહિત છ શખ્સોએ તલવાર, પાઇપથી હુમલો કરી નાસી ગયા હતા. હુમલામાં બંને યુવાનને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસ ઉપરાંત ક્રાઇમ ડીસીપી સહિતના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત મોહિતની પોપટપરા વિસ્તારમાં વાડી આવેલી છે. તેની બાજુમાં જ રહીમ ખીરાની પણ વાડી આવેલી હોય ત્યારે બંનેની વાડી પાસેથી ભૂગર્ભ ગટર કરવાના મુદ્દે અગાઉ બોલાચાલી થયા બાદ અઠવાડિયા પહેલા રહીમ ખીરાના દીકરાઓએ મોહિત સાથે મારામારી કરી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
દરમિયાન અઠવાડિયા પૂર્વે થયેલા ડખાનો ખાર રાખી આજે મોહિત તેના મામાના દીકરા ગોકુળ સાથે વાડીએથી ઘરે જતા હતા. ત્યારે રહીમ ખીરા, તેની પત્ની, પુત્રો-પુત્રી સહિતનાઓએ તલવાર-પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ખૂની હુમલો કર્યો હતો. મામલો વધુ ન વણસે તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો છે.
તો સામા પક્ષે પોપટપરા ત્રેપનિયા ક્વાર્ટર પાસે રહેતા રહેમતબેન રહીમભાઈ ખીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરે ચાર શખ્સો દોડી ગયા હતા અને મકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
જે બનાવ સમયે રહીમ ખીરાની પત્ની રહેમતબેન હાજર હોય તેને મકાન પર હુમલો કરી તોડફોડ કરનાર ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પોપટપરા વિસ્તારમાં અને હોસ્પિટલમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના પીઆઇ મહેન્દ્રસિંહ ઝણકાટ સહિતના અધિકારીઓએ તુરંત કાર્યવાહી હાથધરી બંને પક્ષે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી હતી.