કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને માસિક રૂા. 4000થી 6000ની આર્થિક સહાય આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કર્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 44 બાળકોને સહાય આપવા માટે અરજી મળી છે.
માતા પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આર્થિક આધાર-શિક્ષણ-આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત છે. 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય અપાશે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય આપવામાં આવશે.
આ અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ 44 અરજીઓ મળી છે. જેમાં માતા પિતા ગુમાવનાર 0થી 5 વર્ષના 3 બાળકો, 6થી 10 વર્ષના 11 બાળકો અને 11થી 18 વર્ષના 30 બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે માતા કે પિતા બેમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા 193 બાળકોની પણ અરજી મળી છે. જેમાં 0થી 5 વર્ષના 27 બાળકો, 6થી 10 વર્ષના 58 બાળકો અને 11થી 18 વર્ષના 108 બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે માતા કે પિતા બેમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય તેવા બાળકો માટે હાલ સહાયની કોઈ જોગવાઇ નથી. છતાં તેઓની અરજી મળી હોય સ્થાનિક તંત્રએ સરકારના ધ્યાને મૂકી છે.