હૃદય રોગના કારણે વધુ એક યુવાનનો ભોગ લેવાયો
આર્કિટેકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ હૃદય બેસી ગયું : કોલેજમાં ક્લાસ પૂરો કરી પીજીએ જતી વેળાએ મૂળ તાપી પંથકના વિદ્યાર્થીનું મોત: પરિવારમાં કલ્પાંત
કોરોનાની લહેર પૂરી થયાની સાથે લોકોના શરીરમાં અનેક સાઇડ ઇફેક્ટ જોવા મળી રહ્યા છે. જેમાં નાની ઉંમરમાં જ હાર્ટ એટેકના બનાવોમાં બેફામ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક વિધાર્થીનું હૃદય બેસી જતા મોત નિપજ્યું છે. મૂળ તાપી પંથકના બાજીપુરા ગામના વતની અને હાલ રાજકોટ વિવિપી કોલેજમાં અભ્યાસ કરતા કલ્પેશભાઈ બિપીનભાઈ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું કોલેજ કેમ્પસમાં જ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ તાપી પંથકના બાજીપુરા ગામનો વતની અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા એવરેસ્ટ પાર્કમાં રહી વીવીપી એન્જીનિયર્સ કોલેજમાં આર્કિટેકમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો કલ્પેશ બીપીનભાઈ પ્રજાપતિ નામનો 28 વર્ષનો યુવાન સાંજના સવા પાંચેક વાગ્યાના અરસામાં વીવીપી એન્જિનિયર્સ કોલેજમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં, કોલેજ સ્ટાફના અને સહપાઠીઓમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક કલ્પેશ પ્રજાપતિ મૂળ તાપી પંથકનો વતની હતો અને રાજકોટમાં વીવીપી એન્જિનિયર્સ કોલેજમાં આર્કિટેક્ટનો અભ્યાસ કરતો હતો તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે અને કલ્પેશ એકની એક બહેનનો એકનો એક ભાઈ અને માતા-પિતાનો એકનો એક કંધોતર હતો. કલ્પેશ પ્રજાપતિ ગઈકાલે વીવીપી એન્જિનિયર્સ કોલેજમાં ક્લાસ પૂરો કરી બહાર નીકળ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા કેમ્પસમાં જ ઢળી પડતા કોલેજ સ્ટાફ દ્વારા તાત્કાલિક 108માં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં વધતા જતા યુવાવસ્થામાં હાર્ટ એટેકના બનાવ ચિંતાજનક
રાજકોટ સહિત રાજ્યભરમાં તરુણાવસ્થા અને યુવાવસ્થામાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં ક્રિકેટ રમતા રવિભાઈ વેગડા અને જીજ્ઞેશ ચૌહાણ નામના યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. જ્યારે મારવાડી કોલેજમાં પણ 20 વર્ષીય વિવેક કુમાર આર.ભાસ્કર નામના યુવાનનું ફૂલબોલ રમતી વેળાએ હૃદય બેસી જતા મોત થયું હતું. જ્યારે સુરતમાં એક જ દિવસમાં 18 વર્ષીય કલ્પેશ અને 45 વર્ષીય નઝિક ખાનનું પણ હૃદય રોગના કારણે મોત થયું હતું. તો બીજી તરફ જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ અને હજારો હાર્ટને ધબકતું રાખવા માટે સર્જરી કરનારા ડો.ગૌરવ ગાંધીનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. રાજ્યમાં કોરોનાની લહેર બાદ વધતા જતા હાર્ટ એટેકના બનાવો સમાજ માટે ચિંતા જનક રીતે વધી રહ્યું છે.
જુનાગઢ: યાત્રિકનું હાર્ટએટેકથી મોત
જુનાગઢ ગિરનાર પર્વત ઉપર દર્શન કરવા આવેલા વડોદરાના યાત્રિકનું દર્શન કરતી વેળાએ જ હાર્ટ એટેક આવતા રોપવે મારફત નીચે લઈ આવી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા પરંતુ તે દરમિયાન વડોદરાના યાત્રિકનું પ્રાણ પંખીડું ઉડી જવા પામ્યુ હતું.
વડોદરાના જીગ્નેશભાઇ શશીકાંતભાઇ દોશી (ઉ.વ. 45) જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર દર્શન કરવા માટે આવેલ હતા અને મંદિરની અંદર દર્શન કરતા હતા એ દરમ્યાન હાર્ટએટેક આવતા અચાનક નિચે પડી ગયેલ હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રોપ-વે મારફતે નીચે લાવી જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબે જીગ્નેશભાઇ શશીકાંતભાઇ દોશીને જોઇ તપાસી મરણ જાહેર કર્યા હતા
વેપારીનું બાથરૂમમાં હૃદય બેસી જતા મોત
શહેરના કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્ક શેરી નં.4માં આસુતોષ બંગલોમાં રહેતા વેપારી યુવાન રવિકુમાર બાલાશંકર રાવલ (ઉ.વ.38)નું હાર્ટએટેકથી મોત નિપજયું હતું. આ અંગે મળતી વિગત મુજબ રવિભાઈએ એન્જી.નો અભ્યાસ કર્યો છે. પરંતુ તે એન્જી. પાર્ટસ વેચવાનો વેપાર કરતા હતા. આજે સવારે તેઓ ઉઠયા પછી ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા.
બાથરૂમમાંથી નાહીને બહાર આવી તેણે ગભરામણ થતુ હોવાની ફરીયાદ કરી હતી અને અચાનક જ જમીન પર ઢળી પડતા તાત્કાલીક તેમને વોકહાર્ટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. વોકહાર્ટમાંથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા રસ્તામાં જ દમ તોડી દીધો હતો. મૃતકને સંતાનમાં એક 11 વર્ષનો દીકરો છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા રાવલ બ્રાહ્મણ પરીવારમાં શોક છવાયો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.