એસટી બસ અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ચાર મેડિકલ સ્ટુડન્ટસના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા’તા
રાજકોટમાં ચાર દિવસ પહેલા મેટોળા જીઆઇડીસી પાસે કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર જ એકસાથે ચાર ભાવિ તબીબોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી જેનું ગઈ કાલે રાતે સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાલાવાડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત મેડિકલની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. કૃપાલી ગજ્જર નામની વિદ્યાર્થિનીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે કૃપાલીની સર્જરી કરવાની હતી તે પહેલાં જ અમદાવાદમાં સારવાર દરમિયાન ભાવિ તબીબે દમ તોડતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ચાર-ચાર મેડિકલ સ્ટુડન્ટસના મોત નિપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, ડો. સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જ્યારે ડો. કૃપાલી ગજ્જર હાલ અમદાવાદ સારવાર હેઠળ હતા. જ્યાં તેમને દમ તોડતા મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.