જીરૂના બાચકામાં ભુસુ ભરી કૌભાંડ આચર્યુ: બેન્કમાંથી લોન મેળવ્યા બાદ બારોબાર વેંચી નાખ્યુ: સુત્રધારની શોધખોળ
ગોંડલ તાલુકાના જામવાડી નજીક ગોડાઉનમાં રખાયેલા જીરૂનો સ્ટોક પરા રૂ.૨.૫૦ કરોડની લોન મેળવી ગોડાઉનમાંથી રૂ.૧.૪૦ કરોડની કિંમતનું ૪૦૦ ગુણી જીરૂ સગેવગે કરી નાખ્યા અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસે રાજકોટ, જસદણ અને સુરતના છ શખ્સો સામે ગુનો નોંધી રાજકોટ અને સુરતના બે શખ્સોની ધરપકડ કરી બન્નેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ હવાલે કરાયા છે.
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાછળ આવેલ પાવન પાર્ક-૨માં રહેતા અને જામવાડી ખાતેના સ્ટાર એગ્રી વેરહાઉસીંગ એન્ડ કોલેટરોલના મેનેજર સુદેશ રમેશભાઈ શર્માએ જસદણના કલ્પેશ જેન્તી વઘાસીયા, સુરતના પ્રવિણ દલસુખ પંચાલ, રૂષીત ભુપત દેશાઈ, ભુપત કેશા દેસાઈ અને રાજકોટના ભાવિન કૈલાશપરી ગોસાઈ સામે પૂર્વયોજીત કાવતરુ રચી ગોડાઉનમાંથી રૂ.૧.૪૦ કરોડની કિંમતનું ૪૦૦ ગુણી જીરૂ ચોરી કરી બારોબાર વેંચી નાખ્યા અંગેની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ રૂરલ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.ચાવડા સહિતના સ્ટાફે રાજકોટ ભાવીન કૈલાશપરી ગોસાઈ અને સુરતના પ્રવિણ દલસુખ પંચાલની ધરપકડ કરી છે.
ગોંડલ તાલુકાના જામવાડી જીઆઈડીસી ખાતે જેન્તીભાઈ ગોવિંદભાઈ સાટોડીયાનું ગોડાઉન ભાડે રાખી ગોડાઉનમાં જીરૂનો સ્ટોક રાખી સ્ટાર એગ્રીના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કલ્પેશ વઘાસીયા અને પ્રવિણ પંચાલે જીરૂ સારી કવોલીટીનું હોવા અંગેની પ્રમાણીત કરાવ્યા બાદ જીરૂ અંગેની તમામ પ્રકારની જવાબદારી તેઓની હોવા છતાં ભાવેશ ગોસાઈ સાથે મળી જીરૂના સેમ્પલ ગોંડલની લેબોરેટરીના સીઆઈએસ રિપોર્ટ ખોટા તૈયાર કરાવી મુંબઈ ખાતેની ઓફિસને મોકલી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જીરૂના સ્ટોક પર જસદણ અને ગોંડલ એકસીસ બેંકની બ્રાન્ચમાંથી રૂ.૨.૫૦ કરોડની લોન મેળવી લીધી હતી.
લોન મેળવ્યા બાદ પાંચેય શખ્સોએ કાવતરુ રચી જીરૂના બાચકામાં ભુસુ ભરી સારી કવોલીટીનું જીરૂ બારોબાર વેંચી નાખી રૂ.૧.૪૦ કરોડનું કૌભાંડ આચર્યાની કબુલાત આપી છે.
એલસીબી પીઆઈ જે.એમ.ચાવડાએ કલ્પેશ વઘાસીયા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી ભાવીન કૈલાસપરી ગોસાઈ અને પ્રવિણ દલસુખ પંચાલની ધરપકડ કરી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનાતા કલ્પેશ વઘાસીયા સહિતના શખ્સને ઝડપી લેવા બન્ને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.