ખેડુતને પોલીસે રક્ષણ ન આપતા હત્યા થયાના આક્ષેપ: સાત શખ્સો સામે ગુનો નોંધાયો: પાટણવાવના પીએસઆઇની બદલી: મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર: તપાસ ધોરાજી સીપીઆઇને સોપી
ધોરાજી તાલુકાના ભાડેર ગામે જમીન વિવાદના પંદર દિવસમાં થયેલી બે હત્યાના પગલે પોલીસમાં દોડધામ થઇ ગઇ છે. મૃતકના પરિવાર દ્વારા પોલીસે રક્ષણ ન આપતા હત્યા થયાના આક્ષેપ કરી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જિલ્લા પોલીસ વડા સૂદે પાટણવાવ પી.એસ.આઇ.ની બદલી કરી હત્યાની તપાસ ધોરાજી સીપીઆઇને સોપવામાં આવી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા સાતેય શખ્સોને ઝડપી લેવા રાજકોટ રૂરલ અને જૂનાગઢ પોલીસે કવાયત હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના રવની ગામના મુસા મુસા ઇબ્રાહીમ સાંધે ભાડેરની જમીન વાવવા માટે રાખી હોવાથી ગત તા.૨૦મીએ ભાડેરના જયંતી છગન સાંગાણી, વલ્લભ જયંતી સાંગાણી, શાંતાબેન જયંતી સાંગાણી, ભાવિન જીવણ અને અલ્પેશ રમેશ નામના શખ્સોએ મુસા ઇબ્રાહીમની હત્યા કરી હોવાથી મુસા ઇબ્રાહીમની હત્યાનો બદલો લેવા ગઇકાલે ભાડેર ગામના જીવનભાઇ છગનભાઇ સાંગાણી નામના ૫૦ વર્ષના પ્રૌઢનું અપહરણ કરી જુસબ અલ્લારખા, અમીન ગામેતી, ભાવસંગ જલુભા વાઘેલા, જયુભા જલુભા વાઘેલા, રઘુવીરસિંહ જયુભા, પૃથ્વીસિંહ ભાવસિંહ અને દિગુભા જયુભા વાઘેલાએ બંદુકથી ભડાકો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભાડેરમાં તંગદીલી સર્જાય હતી.
મૃતક જીવનભાઇ સાંગાણીના પરિવાર દ્વારા પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી હોવા છતાં રક્ષણ આપવામાં આવ્યું ન હોવાથી હત્યા થયાના આક્ષેપ સાથે ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તટસ્થ તપાસની માગણી કરી હતી. જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે પાટણવાવ પી.એસ.આઇ. ગોહિલની બદલી કરી હતી અન તપાસ ધોરાજી સીપીઆઇ કે.આર.રાવતને સોપી હતી.
જુસબ અલ્લાખા વંથલી તાલુકાના રવની ગામનો નામચીન હોવાનું અને એક સપ્તાહ પૂર્વે જ તેનો ભાઇ હુસેન અલ્લારખા સાંધ, સલીમ હબીબ સાંધ અને આમદ હાસમ ગામેતી નામના શખ્સોની જૂનાગઢ એસઓજી સ્ટાફે સાબલપુર પાસેથી પિસ્તોલ, તમંચો અને છરી સાથે ધરપકડ કરી હતી.
ભાડેરમાં જમીન વિવાદના કારણે પંદર દિવસમાં થયેલી બે હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડતા સાતેય શખ્સોને ઝડપી લેવા રાજકોટ રૂરલ અને જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.