પૈસા હારી જતા નશામા ધૂત શખ્સે વૃદ્ધને ફડાકા ઝીંકયા: બેશુદ્ધ થઈ જતાં હોસ્પિટલ પણ ન જવા દીધા

બે કલાક ઘરમાં પૂરી રાખતા આખરે વૃદ્ધનું હૃદય બેસી ગયું: ફોરેન્સિક પીએમ

રાજકોટમાં ક્રાઇમનો ગ્રાફ વધતો દેખાય રહ્યો છે ત્યારે શહેરના રણુજા મંદિર પાસે જુગાર રમતી વેળાએ થયેલી માથાકૂટમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નશામા ધૂત એક શખ્સે જુગારમાં પૈસા હારી જતા ધરાર રૂ.૨૫ હજારની ઉઘરાણી કરી વૃદ્ધને ફડાકા ઝીંકયા બાદ તે બેશુદ્ધ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમ છતાં દારૂડિયાએ વૃદ્ધને સમયસર હોસ્પિટલ ન જવા દેતા આખરે તેમનું મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે જલજીત શેરી -૯માં રહેતા રતિગીરી મોજગીરી ગોસાઈ નામના ૬૪ વર્ષીય વૃદ્ધ ગઇ કાલે સાંજે રણુજા મંદિર પાસે શિવધારા સોસાયટીમાં પોતાના સબંધીના ઘરે હતા ત્યારે તેમનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વૃદ્ધ રતિગીરી ગોસાઈ શિવધારા સોસાયટીમાં સબંધી મેહુલગીરી મેઘનાથીના ઘરે આઠ પત્તા પ્રેમીઓ જુગાર રમતા હતા. જુગારના પટ્ટમાં નશામા ધૂત વિરમ ભરવાડ પણ રમતો હતો. ત્યારે બપોરના ૩ વાગ્યાની આસપાસ વિરમે જુગારમાં ચીટીંગ થઈ હોવાનું આક્ષેપ સાથે રતિગીરી પાસે રૂ.૨૫ હજારની ઉઘરાણી કરી હતી. જુગારના પટ્ટમાં છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે વિરમ ભરવાડે ખેલ શરૂ કર્યા હતા અને પૈસાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

તે દરમિયાન વિરમ ભરવાડે વૃદ્ધને ફડાકા ઝીંકતા તે બેશુદ્ધ થઈ ગયા હતા. પરિવારજનોએ વિરમને બેભાન થયેલા વૃદ્ધને હોસ્પિટલ લઈ જવા માટે આજીજી કરી હતી. તે દરમિયાન વૃદ્ધના સબંધી મેહુલ મેઘનાથીએ પોતાનું બાઈક વિરમ પાસે ગીરવે મૂકી પૈસા આપવાની ખાતરી આપી રતિગીરીને હોસ્પિટલ લઈ જવા માટે વિનંતી કરી હતી. ત્યારે સામેવાળા શખ્સે ‘ તમે મને ઓળખતા નથી, ગ્રીનલેન્ડ ચોકડીએ નામ આપજો મારું, વિરમ ભરવાડ’ તેવું કહ્યું હતું. ત્યારે નશામા ધૂત વિરમે પૈસા આપવાની જીદ સાથે વૃદ્ધને હોસ્પિટલ જવા ન દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ ૧૦૮માં રતિગીરીને સિવિલ હોસ્પિટલ ખસેડતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું.

જુગારના પટ્ટમાં માથાકૂટ થયા બાદ વિરમ ભરવાડે ત્રણ કલાક સુધી ખેલ કરી વૃદ્ધ રતિગીરી ગોસાઈ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપી ફડાકા ઝીંક્યા બાદ બેભાન હાલતમાં તેમનું મોત નિપજ્યું હતું.આ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી મોતનું સચોટ કારણ જાણવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.