એપાર્ટમેન્ટમાં પાણીનું ટેન્કર આવ્યું હોવાથી ઢાંકણું ખુલ્લું હતું: માસુમ રમતા રમતા ટાકામાં ગરકાવ
શહેરના મોટામોવા પાસે આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટમાં કરૂણ ઘટના સામે આવી છે. અહીં ગઇકાલે સાંજે નેપાળી ચોકીદારની ત્રણ વર્ષની બાળકી રમતા રમતા એપાર્ટમેન્ટમાં આવેલા પાણીના ટાંકામાં પડી જતા તેણીનું મોત થયું હતું. બપોરના પાણીનું ટેન્કર આવ્યું હોય બાદમાં ટાંકો ખુલ્લો હોય દરમિયાન બાળકી પાણી ભરેલા ટાંકામાં પડી ગઇ હતી. બનાવને પગલે નેપાળી પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોવા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા પેન્ટોગોન એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરનાર નેપાળ યુવાન ભુપેશ વુડાની ત્રણ વર્ષની માસૂમ બાળકી રિયાંશી ગઇકાલે બપોરના અહીં રમતી હતી. ત્યાર બાદ સાંજના પાંચેક વાગ્યે તે એપાર્ટમેન્ટમાં નજરે ન પડતા માતાપિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન રાત્રીના આઠેક વાગ્યે અહીં એપાર્ટમેન્ટમાં આવેલા પાણીના ટાંકામાં જોતા તેમા બાળકી મળી આવી હતી. જેથી બાળકીને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હતભાગી બાળકી રિયાંશી એક ભાઇ એક બહેનના પરિવારમાં નાની હતી. તેના પિતા અહીં એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરે છે અને છેલ્લા એક વર્ષથી રહે છે. માતાના નામ દેવીબેન છે. ગઇકાલે બપોરના એપાર્ટમેન્ટમાં પાણીનું ટેન્કર આવ્યું હોય જેથી પાણીનો ટાંકો ખુલ્લો હતો દરમિયાન બાળકી રમતા રમતા પાણીની ટાંકામાં પડી જતા તેનું કરૂણ મોત થયું હતું. વહાલીસોયી પુત્રીના મોતથી માતાપિતા આઘાતમાં સરી પડયા છે.