બે દિવસની સારવાર બાદ બાળકીએ સારવારમાં દમ તોડયો: ચક્ષુદાન કરાવ્યું
રાજકોટમાં જાણે રોગચાડો ફાટી નીકળ્યો હોય તેમ બે દિવસ પહેલા ચાર વર્ષની માસૂમ બાળકીને ડેન્ગ્યૂનો તાવ ભરખી ગયો હતો. પરિવારજનો દ્વારા વ્હાલસોયી દીકરીનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. પર તું બીજી તરફ ડેન્ગ્યુના તાવના કારણે બાળકીનું મોત નીપજતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં રાજમોતી મિલ પાસે મયુરનગર શેરી -૩માં રહેતા ચેતનભા મનીષભાઈ બદરખીયાની ચાર વર્ષની પુત્રી રિયા સોમવારના રમતા રમત એકાએક ઢળી પડી હતી. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
રિયાની તબિયત નાજુક જણાતા તેને આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ બે દિવસની સારવાર બાદ રિયાએ દમ તોડયો હતો. માસુમ બાળકીને મોતથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. પરંતુ પરિવારજનોએ બાળકીના મૃત્યુ બાદ તેની આંખો દાનમાં આપવાનો નિર્ણય લીધો હતો. જેથી હજુ રિયા દુનિયા જોવે તે પહેલાં જ મોત થતાં તેને અંધજનોને રોશની આપવાનો પરિવારે સરાહનીય નિર્ણય લીધો છે.
જ્યારે બીજી તરફ રાજકોટમાં ચાર વર્ષની માસૂમ બાળકીને ડેન્ગ્યુ તાવ ભરખી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. તાવના કેસમાં ઉછાળો થતા સિવિલ હોસ્પિટલ અને મનપા આરોગ્ય વિભાગની ટીમ પણ કામગીરી પર લાગી હોવાનું જાણવા મળ્યું છે.