ભગવતીપરા વિસ્તારમાં રહેતાં મુળ બંગાળના દંપતિની 8 વર્ષની બાળાએ ઘરમાં પરદાના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ તેના માતા જોઇ જતાં દેકારો મચાવતાં પિતા પણ જાગી ગયા હતાં અને દિકરીને નીચે ઉતારી લઇ હોસ્પિટલમાં ખસેડતાં કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકી ઓનલાઇન અભ્યાસ માટે પિતાનો ફોન વાપરતી હોઇ તેમાં તેની માતાની પાછળ પડી ગયેલા એક તરફી પ્રેમીના ધમકી ભર્યા ફોન આવતાં હોઇ તેના કારણે ગભરાઇ જઇ તેણીએ આ પગલુ ભર્યાનો આક્ષેપ તેણીના પિતાએ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભગવતીપરામાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં મુળ કોલકત્તા બંગાળના બાપનભાઇ આલમભાઇ શેખની 8 વર્ષની દિકરીને સાંજે સાડા પાંચેક વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણીએ ગળાફાંસો ખાધો હોવાનું ઇમર્જન્સી વોર્ડમાં તબિબની પુછતાછમાં જણાવાતાં પોલીસને જાણ કરાઇ હતી.

બાપનભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હું ઇમિટેશનનું કામ કરુ . લોકડાઉન વખતે અમારા વતનનો રહેવાસી ગજની ઉર્ફ અબ્દદીન કે જે હાલ હાથીખાનામાં રહે છે અને ઇમિટેશનનું કામ કરે છે તે મારા ઘરે આવ્યો હતો અને કામ બંધ હોઇ મદદ કરવા કહેતાં મેં તેને મારા ઘરે જમાડ્યો હતો. એ વખતે તે મારી પત્નિને બહેન કહીને બોલાવતો હતો. એ પછી લોકડાઉન ખુલ્યા બાદ તે મારી પત્નિના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો અને તેણીના ફોનમાં મેસેજ કરતો હતો. બે મહિના પહેલા આ અંગે માથાકુટ થતાં ગજનીએ મારી પત્નિનો મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. એ વખતે મેં અરજી કરતાં પોલીસે તેના સામે અટકાયતી પગલા પણ લીધા હતાં.

હજુ પણ ગજની મારા મોબાઇલ ફોનમાં મેસેજ કરતો હતો અને ધરાર પાછળ પડી ગયો હતો. હાલમાં મારી દિકરી ઓનલાઇન અભ્યાસ કરતી હોઇ તેણી પાસે મારો ફોન હોઇ ગજનીએ બંગાળી ભાષામાં મેસેજ કર્યો હતો કે હું તારા પિતાને મારી નાંખી તારી મમ્મીને ભગાડી જઇશ. આ મેસેજ વાંચીને તે ગભરાઇ ગઇ હતી અને તેણે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. બપોરે જમ્યા બાદ અમે સુઇ ગયા હોઇ તે વખતે દિકરીએ આ પગલું ભર્યું હતું. પણ મારી પત્નિ ત્યારે જ જાગી જતાં દિકરી બચી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.