બાળકની હિસ્ટ્રી અને અન્ય બિમારીઓ અંગે જાણવા માટે તબીબોની ટીમે પ્રયત્ન હાથ ધર્યો
બી.ટી.સવાણી હોસ્પિટલ સ્ટાફ દ્વારા બાળકના મૃત્યુ બાદ આંતરરાષ્ટ્રીયસ્તર પર પણ અભિપ્રાય લેવાયો
શહેરમાં મુંજકા ખાતે રહેતા 11 વર્ષીય બાળકનું ગઇ કાલે બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શંકાસ્પદ હાલતમાં મોત થતા બી.ટી.સવાણી હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડી મોતનું સચોટ કારણ જાણવા માટે પ્રયત્ન હાથ ધર્યા હોવાનુ હોસ્પિટલના ટ્રસ્ટી ડો.વિવેક જોષીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંજકામાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ વશરામભાઇ ગોહિલના 11 વર્ષના પુત્ર પ્રિયંક ગોહિલને ગઈકાલે યુરીનમાં તકલીફ થતાં તેને બી.ટી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં એનેથેસિયા આપ્યા બાદ ઓપરેશન પહેલાં થિયેટરમાં જ માસુમ બાળકે દમ તોડી દીધો હતો. બાળકના અચાનક મૃત્યુથી બી.ટી.સવાણી હોસ્પિટલની નિષ્ણાતની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઇ હતી અને તબીબો દ્વારા જ બાળકના મોત અંગેનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલવાનો પોલીસ સમક્ષ અનુરોધ કર્યો હતો.
અબતક સાથેની વાતચીતમાં બી.ટી. સવાણી હોસ્પિટલના ટ્રસ્ટી ડો.વિવેક જોષીએ જણાવ્યું હતું કે બાળક પ્રિયંકને દાખલ કર્યા બાદ તમામ સાવચેતી સાથે એનેથેસિયા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એકાએક બાળકની હાર્ટબીટ ઓછી થવા લાગી અને ત્યાર બાદ તેનું મોત થઈ ગયું હતું. જેના કારણે સારવારમાં રહેલા તમામ નિષ્ણાતો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
બાળકના શંકાસ્પદ મોત બાદ બી.ટી. સવાણી હોસ્પિટલના ટ્રસ્ટી અને તમામ નિષ્ણાતોએ મિટિંગ કરી હતી અને ક્યાં કારણોસર બાળકનું મોત થયું તે અંગેના કારણો જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. એટલું જ નહિ પરંતુ આ અંગે આંતરાષ્ટ્રીય લેવલના નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરી તમામ દવા અને તેને આપવામાં આવેલા ડોઝ અંગે તપાસ હાથધરી હતી.આ અંગે વધુમાં જણાવતા બી.ટી.સવાણી હોસ્પિટલના ટ્રસ્ટી ડો.વિવેક જોષીએ જણાવ્યું હતું કે બાળકના મોત બાદ તમામ ટીમના નિષ્ણાતો અને સિનિયર તબીબોને દુ:ખ થયું હતું.
બાળકની સારવાર દરમિયાન જ્યારે તેની હાર્ટબીટ ઘટવા લાગી ત્યારે પણ નિષ્ણાતોની ટીમે પૂરા પ્રયત્નો કરી તેને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ મૃતક બાળકને કોઈ બીમારીની હિસ્ટ્રી હતી કે કેમ અથવા તો ક્યાં કારણોસર તેનું હૃદય બેસી ગયું તે અંગેના તારણો સમજવા માટે પોલીસને ફોરેન્સિક પીએમ માટે અનુરોધ કર્યો હતો.એટલું જ નહિ પરંતુ જ્યારે બાળકની તબિયત વધુ લથડી ત્યારે અને તેને દમ તોડ્યો તે બાદ પણ ટ્રસ્ટી અને નિષ્ણાતોની ટીમે સાથે મળીને આ ઘટના પાછળનું સચોટ કારણ જાણવા માટે આંતરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો સાથે વાતચીત કરી અમુક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
મૃતક બાળક પ્રિયંક ગોહિલ ધોરણ -5માં અભ્યાસ કરતો હતો અને તે બે ભાઇમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. પરીવારજનોએ પણ બી.ટી. સવાણી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોરેન્સિક પીએમ માટે કરવામાં આવેલા અનુરોધને માન્ય રાખી મૃતદેહને મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.