ત્રણ દિવસ ધૂળની ડમરી ઉડતી રહેશે: પ્રિ-મોનસુન એક્ટિવિટી અંતર્ગત સીબી ફોર્મશનના કારણે સામાન્ય વરસાદની સંભાવના
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પ્રિ-મોનસુન એક્ટિવીટીનો આરંભ થઇ ગયો છે, છેલ્લા ત્રણેક દિવસથી બપોર બાદ સાંજના સમયે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આગામી ત્રણ દિવસ રાજ્યમાં ધૂળની ડમરી ઉડશે. આજે રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવાની સંભાવના રહેલી હોય માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજથી ત્રણ દિવસ સુધી જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદરના દરિયામાં 40 થી 50 કિ.મી.ની ઝડપે અને અમૂક સ્થળે 60 કિ.મી.ની પ્રતિ ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.
દરમિયાન રાજકોટ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે બપોરે ગરમી પડશે અને સાંજે પ્રિ-મોનસુન એક્ટિવીટીની અસરતળે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. બુધવારે રાજ્યના પાંચ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઇ ગયો હતો. અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.