રાજકોટમાં મોહન કુંડારીયા અને લલિત કગથરા, અમરેલીમાં નારણ કાછડીયા અને પરેશ ધાનાણી, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને પુંજા વંશ, પોરબંદરમાં રમેશ ધડુક અને લલિત વસોયા, જામનગરમાં પુનમબેન માડમ અને મુળુ કંડોરીયા, ભાવનગરમાં ભારતીબેન શિયાળ અને મનહર પટેલ જયારે સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા અને સોમા ગાંડા વચ્ચે જામશે ચૂંટણી જંગ
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપે તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવારીના નામ જાહેર કરી દીધા છે તો સામાપક્ષે કોંગ્રેસ હજી ભરૂચ અને દાહોદ બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરી શકી નથી. સૌરાષ્ટ્રની ૭ બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ, અમરેલી અને જુનાગઢ બેઠક પર ભાજપના સીટીંગ સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ચુંટણી જંગ જામશે. ગત લોકસભાની ચુંટણીમાં તમામ ૨૬ બેઠકો ગુમાવનાર કોંગ્રેસે આ વખતે રાજયમાં સેઈફ ગેમ રમી છે અને જીતી શકે તેવા ધારાસભ્યોને લોકસભાના જંગમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રાજકોટમાં ભાજપે સીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કર્યા છે તો તેની સામે કોંગ્રેસે ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાને ટીકીટ આપી છે. અમરેલીમાં ભાજપે વર્તમાન સાંસદ નારણ કાછડીયાને ફરી ટીકીટ આપી છે તો કોંગ્રેસે આ બેઠક પર ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કદાવર પાટીદાર નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. જુનાગઢ બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાને ફરી મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે તેની સામે ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટીકીટ આપી છે. આમ રાજકોટ, અમરેલી અને જુનાગઢ બેઠક પર સીધો જ ભાજપના સાંસદો અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ચુંટણીજંગ જામશે.
સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો પોરબંદર બેઠક પર ભાજપે લાંબા સમયથી બિમાર એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્થાને રમેશભાઈ ધડુકને ટીકીટ આપી છે તો તેની સામે કોંગ્રેસે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. જામનગર બેઠક પર ભાજપે સીટીંગ સાંસદ પુનમબેન માડમને રીપીટ કર્યા છે જેની સામે કોંગ્રેસે મુળુભાઈ કંડોરીયાને મેદાનમાં ઉતાર્યા છે.
ભાવનગર બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપે ડો.ભારતીબેન શિયાળ પર ફરી વિશ્વાસ બતાવ્યો છે તો તેની સામે કોંગ્રેસે મનહર પટેલને અહીંથી ટીકીટ આપી છે. સુરેન્દ્રનગર બેઠક પર સીટીંગ સાંસદ દેવજી ફતેપરાની ટીકીટ કાપી ભાજપે અહીં ડો.મહેન્દ્ર મુંજપરાને ચુંટણી જંગમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ગત લોકસભાની ચુંટણીમાં હારેલા સોમાભાઈ ગાંડાભાઈને ફરી ટીકીટ આપી છે. સૌરાષ્ટ્રની ૭ બેઠકો પૈકી ૫ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ફાઈટ જામશે. જયારે જામનગર અને ભાવનગર બેઠક પર એક તરફી માહોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કચ્છ બેઠક પર ભાજપે સીટીંગ સાંસદ વિનોદ ચાવડા પર ફરી વિશ્વાસ રાખ્યો છે તો સામાપક્ષે કોંગ્રેસે અહીં નરેશ મહેશ્વરીને ટીકીટ આપી છે.