સૌરાષ્ટ્રમાં ચોમાસુ ગમે તે ઘડીએ દસ્તક દે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકો પણ હવે અસહ્ય ગરમીથી અકળાયા છે અને ચોમાસાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
હવામાન વિભાગે પણ ગુજરાતમાં 10થી 13 જુન સુધીમાં ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરી છે. દર વર્ષે રાજ્યમાં 15 જુને ચોમાસુ બેસી જાય છે પરંતુ આ વર્ષે ચોમાસુ બે-ત્રણ દિવસ પહેલું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, યાજ્ઞીક રોડ પર વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ જેતપુરથી લઇ જૂનાગઢ સુધી અમી છાંટણા પડ્યા હતા.