દરેક આરોગ્ય કેન્દ્ર પર 200 ડોઝની ફાળવણી સાથે વેક્સિનેશનની કામગીરી શરૂ
કોરોનાની સંભવિત ચોથી લહેરને ખાળવા માટે રાજ્ય સરકાર સાવચેતીના પગલાં લઇ રહી છે. વેક્સિનેશનની કામગીરી ફરી વેગવાન બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ વેક્સીનનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે મોટાભાગના શહેરોમાં વેક્સીનેશનની કામગીરી ઠપ્પ થઇ જવા પામી છે.
દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા રાજકોટને કોવિશિલ્ડના 6,500 ડોઝ ફાળવવામાં આવતા વેક્સીનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે રાત્રે વેક્સીનના ડોઝની ફાળવણી કરવામાં આવ્યા બાદ આજે તમામ આરોગ્ય કેન્દ્રો પર 200-200 ડોઝ મોકલી દેવામાં આવ્યા હતાં અને સવારથી વેક્સીનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા બુસ્ટર ડોઝનો ચાર્જ વસૂલવો તેવી સૂચના આપવામાં આવી ન હોવાના કારણે બુસ્ટર ડોઝ પણ લોકોને મફ્તમાં આપવામાં આવી રહ્યો છે.