દસ વર્ષ પહેલાં ફલેટની રકમ લીધા બાદ આજ સુધી દસ્તાવેજ ન કરી ઠગાઇ કર્યાનો વળતો આક્ષેપ
કાલાવડ તાલુકાના શીશાંગ ખાતે 2011માં બનેલા હોલીડે સિટીના ફલેટ અંગે કૈલાશધારા સોસાયટીના ખોડુભાઇ મુંધવા અને સોમનાથ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ મારૂ વચ્ચે થયેલા વિવાદમાં ગઇકાલે પત્રકાર પરિષદ યોજી જીતેન્દ્રભાઇ મારૂ દ્વારા કરાયેલા આક્ષેપનું ખંડન કરી પોતાના ભાગીદારીના રૂા.50 લાખનો હિસાબ ન આપ્યાનું અને 2011માં ખરીદ કરેલા ફલેટનો આજ સુધી દસ્તાવેજ ન કરી આપી પોતાની સાથે ઠગાઇ થયાનો ખોડુભાઇ મુંધવાએ વળતો આક્ષેપ કરતા પ્રકરણ વધુ પેચીંદુ અને વિવાદાસ્પદ બન્યું છે.
હોલીડે સિટીમાં 2011માં ખોડુભાઇ સામતભાઇ મુંધવાએ પોતાની પત્નીના નામે ફલેટનું બુકીંગ કરાવ્યું હતું. ફલેટ પેટે પ્રથમ રૂા.50 હજાર અને ત્યાર બાદ કટકે કટકે રૂા.10.11 લાખ ચુકવી દીધા હતા ત્યાર બાદ હોલીડે સિટીમાં ભાગીદાર બનાવ્યા હતા પરંતુ ફલેટનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને ભાગીદારી અંગેનું લખાણ પણ કરી આપ્યું ન હોવાનો ખોડુભાઇ મુંધવાએ આક્ષેપ કર્યો છે.
હોલીડે સિટીમાં સ્વીમીંગ પુલ રોકડા ચુકવીને ખરીદ કર્યો હોવાનું તેમજ અન્ય એક ફલેટ જીતેન્દ્રભાઇ મારૂના ભાગીદાર પાસેથી ખરીદ કર્યાનું કહી સ્વીમીંગ પુલ પડાવી લીધાના જીતેન્દ્રભાઇ મારૂના આક્ષેપ તદન ખોટા હોવાનું જણાવ્યું હતું.
જીતેન્દ્રભાઇ મારૂએ અનેક સાથે છેતરપિંડી કર્યાનો ખોડુભાઇ મુંધવાએ આક્ષેપ કરી તેઓ સામે મનિષાબેન મયુરભાઇ મહેતા, અશોકભાઇ પ્રેમજીભાઇ અને કિશોરીબેન કમલેશભાઇ પાટડીયાએ ઠગાઇ અંગેની અને ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હોવાનું ખોડુભાઇ મુંધવાએ આક્ષેપ કર્યો છે.