રોડની બંને બાજુ નો- પાર્કિંગ, દર 10થી 15 મિનિટે ટોઇંગવાન અહીંથી નીકળે છે : ગ્રાહકો દુકાન પાસે વાહન પાર્ક કરે એટલે તુરંત વાહન ટોઇંગ કરી લેવામાં આવતા હોવાના લોધાવાડ ચોક સ્કૂટર પાર્ટસ ડિલર એસો.ના આક્ષેપ

જ્યુબીલી બાગ રોડના વેપારીઓએ પોલીસ દ્વારા ખોટી રીતે વાહન ટોઇંગ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અડધો દિવસ બંધ પાળી રોષ દર્શાવી હાલાકીનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. ત્યારે આજે ફરી લોધાવાડ ચોક સ્કૂટર પાર્ટસ ડિલર એસોસિએશને અડધો દિવસ બંધ પાળી ટ્રાફિક પોલીસ દ્વારા સતત વાહનો ટોઇંગ કરી જઇ હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

લોધાવાડ વિસ્તારમાં સ્થિત પોલીસ ચોકીવાળા રોડ પર રોડની બંને સાઇડ ટુવ્હીલરના પાર્ટસની દૂકાનોમાં વેપારીઓ ધંધો કરે છે. અહિ રોડની બંને સાઇડમાં નો-પાર્કિંગ હોવાથી ગ્રાહકો કંઇક ખરીદી માટે આવે અને માત્ર બે મિનિટ માટે વાહન પાર્ક કરે ત્યા તેના વાહનો ટોઇંગ કરીને લઇ જવામાં આવે છે. બાદમાં રૂ. 700 જેટલો દંડ વસુલવામાં આવે છે. છેલ્લા છ મહિનાથી આ હેરાનગતિ અનહદ પ્રમાણમાં થઈ રહી છે. તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

DSC 3892 scaled

વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટે ભાગે કોઇપણ રોડ હોય તો તેની બેમાંથી કોઇપણ એક સાઇડ અથવા તો એકી બેકી તારીખ મુજબ પાર્કિંગ આપવામાં આવતું હોય છે. પરંતુ લોધાવાડ ચોકમાં રોડની બંને સાઇડમાં નો-પાર્કિંગના બોર્ડ છે. આ કારણે દર દસ-પંદર મિનીટે ટ્રાફિકની ટોઇંગ વાન આવે છે અને દૂકાનો પર ખરીદી માટે આવેલા ગ્રાહકોના વાહનો ઉપાડી જાય છે અને દંડ વસુલે છે. ઘણીવાર વેપારીઓના વાહનો પણ ઉઠાવી જવામાં આવે છે.આ પ્રશ્નથી વેપારીઓ ત્રસ્ત થઈ ગયા હોય, તેઓએ આજે આ પ્રશ્નનું નિરાકરણ લાવવાના ઉદેશથી અડધો દિવસ દુકાનો બંધ રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.