અબતક,રાજકોટ

અરબી સમુદ્રમાં ઉદભવેલું તાઉતે વાવાઝાડું સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવી પહોચે તેમ હોવાથી અને રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રભરને ધમરોળે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટમાં જાન-માલને નુકસાન ન થાય તેની તકેદારી માટે શહેરના તમામ પોલીસ સ્ટાફની 48 કલાક માટે રજા રદ કરી ફરજ પર હાજર રહેવા હુકમ કર્યો છે.

વાવાઝોડાના કારણે સજાર્યેલ ગંભીર પરિસ્થિતી અને આવેલા કુદરતી સંકટમાંથી બચવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ પોલીસ સ્ટાફની રજા રદ કરી 48 કલાક સુધી ઘરે પણ ન જવા હુકમ કરી તમામ પોલીસ માટે ફરજ સ્થળ પર જ રહેવા અને જમવાની વ્યવસ્થા ઉભી કરી છે. અને અસરગ્રસ્તની તાકીદે વ્હારે પોલીસ સ્ટાફ આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

માર્ગ પર તોતીંગ ઝાડ પડે કે વીજ પોલ ધરાશાયી થાય ત્યારે તાકીદે ઝાડ કે વીજ પોલને હટાવવા માટે પોલીસ દ્વારા ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અસરગ્રસ્તોની વ્હારે પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોચી શકે તે માટે ગોઠવેલા બંદોબસ્તમાં શહેરના તમામ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને એસઆરપી મળી ત્રણ હજાર સ્ટાફ 48 કલાક સુધી સ્ટેન્ડ ટુ રહેશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.જામનગર હાઇવે અને અમદાવાદ હાઇવે પર વાવાઝાડાની ઓક્સિજનની સપ્લાય કરતા વાહન વ્યવહાર ખોળવાય નહી તે માટે બંને હાઇવેને ગ્રીન કોરીડોર માર્ગ જાહેર કરી હાઇવે પર અડચણ ઉભી થાય તો તાકીદે અડચણ દુર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આજે સાંજથી બુધવાર સવાર સુધી કામ સિવાય કોઇએ ઘરની બહાર ન જવું, બારી-દરવાજા બંધ રાખવા, લોકોએ ખોટી અફવાથી દુર રહેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અપીલ કરી પોલીસની કામગીરીમાં સહયોગ આપવા કહી તમામ પરિસ્થિતીને પહોચી વળવા માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું છે.

જાન-માલનું રક્ષણ કરવા પોલીસ ટીમ સજ્જ

તાઉતે વાવાઝાડ દરમિયાન જાન-માલને નુકસાન ન થાય અને અસરગ્રસ્તને તાકીદે મદદ મળી રહે તે માટે શહેરના તમામ પોલીસ મથક ખાતે ટીમ બનાવી તહેનાત કરવામાં આવી છે. રસ્તા પર નડતરરૂપ અને ભયજનક ઝાડ કપાવ્યા, મોટા હોર્ડીગ્સ દુર કરાવ્યા હતા. લલુડી વોકળી સહિતના વિસ્તારના રહીશોને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં છ જેટાલ હોમ કાર્યરત સેન્ટર બનાવ્યા છે. પોલીસ મથકે દોરડા, ટોર્ચ, અને જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તનો તાકીદે વ્હારે આવવા માટે કનૈયા મિત્ર મંડળના 50 યુવાનોની મદદ લેવામાં આવી છે. હાલ  તંત્ર પુરી રીતે સજજ છે ત્યારે કોઇ નુકશાન ન થાય તે માટે પોલીસે અનેક જગ્યાએથી લોકોને સલામત સ્થળે ખસેડયા છે.

પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ લોકોનું સ્થળાંતર કરાવશે

સંભવિત તાઉતે વાવાઝોડાને પગલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ , જોઈન્ટ પોલીસ કમિશ્નર ,ડીસીપી સહિતના અધિકારીઓ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે ત્યારે આજે બપોર બાદ રાજકોટ શહેરની ભાગોળે આવેલ કાચા મકાનોમાંથી લોકોને પોલીસ કર્મીઓ, સ્થાનિક કોર્પોરેટરો સ્થળાંતર કરશે.તેમજ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ સૂચન કરશે.પોલીસ કમિશ્નરે લોકોને અપીલ કરી છે કે ખોટી અફવાઓથી દૂર રહો અને કોઈ પણ મુશ્કેલીમાં પોલીસ કંટ્રોલરૂમમાં સંપર્ક કરો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.